ડાંગ જિલ્લાનાં 150 જેટલા પીઢ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપામાં જોડાઈ જતા જિલ્લાનો રાજકારણ ગરમાયો…
પેટા:-ડાંગ જિલ્લાની ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયત બની ભગવામય.. પેટા:-ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચાર જેટલા ગામોનાં પીઢ કૉંગ્રેસનાં કાર્યકર્તાઓએ પંજો છોડી કેસરીયો ધારણ કર્યો...

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં રાજકારણ તરફ નજર કરીએ તો અગાઉ ડાંગ જિલ્લામાંથી કૉંગ્રેસનાં દિગજ નેતાઓમાં મંગળભાઈ ગાવીત,ચંદરભાઈ ગાવીત,ભરતભાઈ ભોયે,બાબુભાઈ બાગુલ,હરીશભાઈ બચ્છાવ સહીતનાંઓએ કૉંગ્રેસ પાર્ટી છોડી ભાજપાનો કેસરીયો ધારણ કરી લેતા હાલમાં ડાંગ જિલ્લામાં વિધાનસભા,જિલ્લા પંચાયત સહીત ત્રણેય તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયેલ જોવા મળે છે.સાથે ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટી વેર વિખેર થઈ જવા પામી છે.ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટી પાસે સક્ષમ નેતાગીરી ન હોવાના પગલે હતાશાનાં ગર્તામાં ધકેલાઈ ગઈ છે.
ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ પાસે 1 સીટ જ્યારે તાલુકા પંચાયતમાં નામ માત્ર બે ત્રણ સીટો રહેતા વિરોધ પક્ષમાં બેસવા માટે પણ લાયક રહી નથી.તેવામાં અગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ ડાંગ જિલ્લામાંથી કૉંગ્રેસનાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ જતા મોટી ઉથલ પાથલ જોવા મળી છે.હાલમાં સમગ્ર ભારત દેશની વિકાસલક્ષી કાયાપલટ જોઈ પોતાના ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ વેગ ગતિ પ્રાપ્ત કરે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયતનાં કોટબા, ધુડા, ઘુબીટા અને ધવલીદોડ ગામોનાં પીઢ 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ માજી સરપંચ સયજુભાઈ જાનુભાઇ ઠાકરેની આગેવાની હેઠળ ભાજપામાં વિધિવત રીતે જોડાઈ જઈને ભગવો ધારણ કરી લેતા જિલ્લાનાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયતનાં પીઢ 150 જેટલા કૉંગ્રેસી કાર્યકર્તાઓએ ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઇ ગાવિત,ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,સંગઠન મહામંત્રી હરિરામભાઇ સાવંત,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ ભોયે,આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કમલેશભાઇ વાઘમારે,પૂર્વ મહામંત્રી રમેશભાઈ ગાંગુર્ડે,સોશિઅલ મિડિયા કન્વીનર જીગરભાઈ પટેલ,જિલ્લા આદિજાતિ મોરચા મહામંત્રી રાજેશભાઈ ભોયે,યુવા મોરચા મંડળ મહામંત્રી અમરદીપભાઈની ઉપસ્થિતમાં કૉંગ્રેસનાં હાથને છોડી ભાજપાનો કેસરીયો ધારણ કરી લેતા આ કાર્યકર્તાઓને ભાજપા સંગઠન દ્વારા આવકાર આપ્યો હતો..





