
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સોનવાડી ગામે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રશાંતભાઇ શાહની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રશાંત ભાઇ શાહે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે જ ગ્રામજનોને મળી રહે છે. તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. જેથી કોઇપણ લાભાર્થી રહી ન જાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ શ્રી કલ્પનાબેન હળપતિ, ગણદેવી મામલતદારશ્રી, પદાધિકારીઓ/અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.





