નખત્રાણા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે ૦૮ સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે.
પ્રધાનમંત્રી પોષણ યોજનાના કેન્દ્ર સંચાલકોની જગ્યા માટે ૨૧ જૂન, ૨૦૨૪ સુધીમાં અરજી કરવાની રહેશે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-12 જૂન : નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની માનદવેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવાની હોય કુલ ૦૮ કેન્દ્ર સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મગાવવામાં આવી છે. આ અરજીઓ તારીખ ૨૧ જૂન, ૨૦૨૪ સુધીમાં મામલતદારશ્રીની કચેરી નખત્રાણા, તાલુકા સેવા સદન, ભુજ-લખપત હાઈવે રોડ, નખત્રાણા ખાતે મોકલી આપવાની રહેશે. જેમાં યક્ષ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૬, વેશલપર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૩૮, લીફરી પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૫૯, હરીપર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૬૩, નાના નખત્રાણા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૯૩, ગેચડા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૧૩, મોટી અરલ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૧૬ અને જાડાય પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૪૩નો સમાવેશ થાય છે. ઉપરોક્ત કેન્દ્રો ઉપર સંચાલક તરીકે નિમણૂક મેળવવા રસ ધરાવતા સ્થાનિક રહેવાસી ધોરણ ૧૦ (સ્થાનિક ઉમેદવાર ધોરણ ૧૦ પાસ હોય એવા આવેદન પ્રાપ્ત નહીં થાય તો ધોરણ ૭ પાસ ઉમેદવારને લેવામાં આવશે) કે તેથી વધારે પાસ હોય તેવા અરજદારશ્રીઓએ નિયત ફોર્મમાં પ્રમાણિત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ સાથે તારીખ ૨૧ જૂન, ૨૦૨૪ સુધીમાં ચાલુ દિવસોમાં મામલતદારશ્રી નખત્રાણાને અરજી કરવાની રહેશે. સરકારશ્રીની સૂચના મુજબ વિધવા ત્યક્તા તેમજ ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા મહિલા અરજદારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ નખત્રાણા મામલતદારશ્રી એ.એન.શર્માની અખબારી યાદીમાં જણાવાયું છે.









