પાંચ વર્ષમાં ગુજરાતમાં નવી 28 ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી

શિક્ષણના ખાનગીકરણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે દેશભરમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલી નવી ખાનગી યુનવિર્સિટીઓ સ્થાપવામાં આવી તેના આંકડા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 140 ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. સૌથી વધુ નવી ખાનગી યુનવર્સિટીઓ મામલે દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. જ્યાર બાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
પીટીઆઈને પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં નવી 28 ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં 15 ખાનગી યુનિ.સ્થપાઇ છે. મધ્ય પ્રદેશમાં 14 અને કર્ણાટકમાં 10ની સ્થાપના કરવામાં આવી.
કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખાનગી યુનિ.ની સ્થાપના જે તે રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા અનુસાર અને રાજ્ય સરકારના નોટિફિકેશન દ્વારા કરવામાં આવે છે. જ્યારે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કાયદાની કલમ 2(એફ) મુજબ નોટિફિકેશન અને કાયદાની કોપી મળ્યા બાદ આવી યુનિ.ઓનો સમાવેશ માન્ય ખાનગી યુનિ.ની યાદીમાં સામેલ કરવામાં આવે છે.
આ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, આવી યુનિ.ઓને યુજીસીની મંજૂરી વગેર જ જનરલ ડીગ્રી પ્રોગ્રામ ચલાવવા અને ડિગ્રી આપવાની છૂટ મળેલી છે. જોકે પ્રોફેશનલ અને મેડિકલ અભ્યાસક્રમ ચલાવવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન અને નેશનલ મેડિકલ કમિશન, ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વગેરે જેવી સંસ્થાઓની મંજૂરી લેવી ફરજિયાત છે.
અન્ય રાજ્યો પર નજર કરીએ તો પાંચ વર્ષમાં છત્તીસગઢમાં આવી સાત, ઝારખંડ અને રાજસ્થાનમાં છ-છ યુનિ.ની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, હરિયાણા, મણિપુર, ઉત્તર પ્રદેશમાં ચારથી પાંચ યુનિ.ની સ્થાપના થઈ છે. જોકે આ યાદીમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.










