ગુજરાતના લોકોના 3900 કરોડ રૂપિયા વધુ અદાણી કંપનીને ચૂકવી દેવામાં આવ્યા: ઈસુદાન ગઢવી

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા એક સ્ફોટક જાણકારી બહાર આવી, ગુજરાતના લોકોના 3900 કરોડ રૂપિયા વધુ અદાણી કંપનીને ચૂકવી દેવામાં આવ્યા: ઈસુદાન ગઢવી
અદાણી પાવર મુંદ્રા લિમિટેડને 9,902 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, એની જગ્યાએ 13802 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે: ઈસુદાન ગઢવી
ED અને નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં 3900 કરોડના આ ગોટાળાની તપાસ કરવામાં આવે: ઈસુદાન ગઢવી
ગુજરાતની જનતાને લૂંટવાનું પ્રી પ્લાન કામ ચાલી રહ્યું છે: ઈસુદાન ગઢવી
અદાણીજીને આટલા ફાયદા કેમ કરાવવામાં આવે છે?: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અત્યંત ગંભીર મુદ્દા પર એક પ્રેસ વાર્તાને સંબોધિત કરતા જણાવ્યું કે, અમે વારંવાર કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપને જ્યાં પણ મલાઈ ખાવાનો મોકો મળે છે તે મોકો છોડતી નથી. હાલમાં એક ડોક્યુમેન્ટ આપણી સામે આવ્યું છે, જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અદાણીને લખ્યું છે કે, “અદાણી પાવર મુંદ્રા લિમિટેડને 9,902 કરોડ રૂપિયા ચૂકવવાના હતા એની જગ્યાએ 13802 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.” એટલે કે ઓછામાં ઓછા 3900 કરોડ રૂપિયા વધારે અદાણી પાવર મુંદ્રા લિમિટેડને ચૂકવી દેવામાં આવ્યા છે.
3,900 કરોડ રૂપિયા વધારે ચૂકવાઇ ગયા અને કોઈને ખબર પણ ન પડી. અને પછી ધીરે ધીરે જ્યારે બહાર ખુલાસા આવ્યા, ત્યારે ઢાંકપિછોડો કરવાનું ભાજપ સરકારે કહ્યું છે. પહેલા ગુજરાત સરકાર અને અદાણી પાવર મુંદ્રા લિમિટેડે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA)સાઇન કર્યું હતું. અને તેમાં નક્કી થયું હતું કે પાંચ વર્ષમાં જે ભાવ આવે એ ભાવે એની તુલના કરીને ભાવ લગાડવાના. પરંતુ અદાણી કંપનીએ પાંચ વર્ષમાં ચાર્જીસના કોઈ કાગળ આપ્યા નથી.
અમે વારંવાર કહીએ છીએ કે અદાણીજીને આટલા ફાયદા કેમ કરાવવામાં આવે છે? એરપોર્ટ અદાણીને, ટ્રેન અદાણીને, પોર્ટ અદાણીને, ઉર્જામાં અદાણીને લાભ આપવામાં આવે છે. અદાણીને જે રૂપિયા ચૂકવવામાં આવ્યા તેમાં ગુજરાતના લોકોના 3900 કરોડ રૂપિયા વધુ ચૂકવી દેવામાં આવ્યા છે. આ તો ફક્ત એક જ ઘટનામાં આટલા રૂપિયા ગયા એવું આપણને સ્પષ્ટ પણે લાગી રહ્યું છે, તો શું આમાં ED દ્વારા તપાસ કરવામાં આવશે? આમ આદમી પાર્ટી માંગણી કરી રહી છે કે આ ઘટનાની ED દ્વારા તપાસ કરવામાં આવે. હજારો કરોડો રૂપિયાનો આમાં ગોટાળો થયો છે, એવું ખુદ ઉર્જા વિકાસ લિમિટેડ એ લખ્યું છે.
નાની નાની તપાસો કરીને પુરાવા વગર વિપક્ષના નેતાઓને જેલમાં નાખવાનો ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે. ત્યારે ભાજપની આ સરકારમાં હજારો કરોડના જે કૌભાંડ સામે આવી રહ્યા છે તેની ED દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે. નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક તપાસ કરવામાં આવે છે, એવી અમારી માંગ છે. જોકે ભાજપ એવું કરશે નહીં. આ ઘટના પરથી આપણને સ્પષ્ટ પણે લાગી શકે કે, ગુજરાતની જનતાને લૂંટવાનું પ્રી પ્લાન કામ ચાલી રહ્યું છે. હું ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આપણે જાગવું પડશે. ગુજરાતમાં આપણને ખૂબ જ મોંઘી વીજળી મળી રહી છે.
જ્યારે ઘરમાં વધુ વીજળીનું બિલ આવે તો વપરાશકારને એમ લાગે છે કે, તેમણે વધુ વીજળી વાપરી હશે. હું એમને કહેવા માગું છું કે તમે વધુ વીજળી વાપરતા નથી પરંતુ પાછલા દરવાજેથી વીજળીના ભાવ વધારી દેવામાં આવે છે. એટલે કે ખૂબ જ સિસ્ટમેટિક રીતે આ લૂંટ ચાલી રહી છે. માટે ED અને નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં આની તપાસ થવી જોઈએ. આ મામલે અમે જરૂર પડે આવેદનપત્ર પણ આપીશું અને જરૂર પડે રસ્તા પર પણ ઉતરીશું.










