
૫-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ દિવ્યાંગદિને રોજગારીના 111 નિમણૂંકપત્રો અપાયા
દિવ્યાંગોને દયાપાત્ર નહીં પરંતુ રોજગારપાત્ર બનાવવાનો સાર્થક પ્રયાસ
ભૂજ કચ્છ :- અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોના જીવનને રોજગારીથી રોશન કરવા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભૂજ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિશ્વ દિવ્યાંગ દિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને પગભર કરવાના હેતુથી નિમણૂંકપત્રો આપવામાં આવ્યા. 111 દિવ્યાંગોને અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પો સહિત અન્ય કંપનીઓમાં રોજગારી માટે નિમણૂંકપત્રો આપવામાં આવ્યા છે. આ પ્રસંગે અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણી, કમિશ્નર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ વી.જે. રાજપૂત, કચ્છના એડિ. કલેક્ટર નિમેષ પંડ્યા, કચ્છ નવનિર્માણ અભિયાનના પ્રમુખ દિપેશ શ્રોફ, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે “આજે અદાણી પરિવારમાં એક નવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મુન્દ્રામાં અદાણી સહિત અન્ય કંપનીમાં 100 કરતા પણ વધુ દિવ્યાંગોને પગભર કરવાના પ્રયાસ રૂપે રોજગાર આપવામાં આવ્યો છે. સમાજમાં દરેક લોકોએ આ કાર્યમાં જોડાવું જોઈએ. અમે દિવ્યાંગોને બને એટલી વધુ મદદ કરવા પ્રતિબદ્ધ છીએ”.ફાઉન્ડેશન દ્વારા અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમી ઝોન (APSEZ) તથા કચ્છ જિલ્લાની વિવિધ કંપનીઓનો સંપર્ક કરી દિવ્યાંગોને રોજગારી માટે રજૂઆતના પગલે 111 દિવ્યાંગોની 2૦ કંપનીઓમાં નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે 50 લાભાર્થીઓને આજીવિકા માટે સાધન સહાય કરવામાં આવી છે. કચ્છના દિવ્યાંગો માટે ઉપલબદ્ધિ ગણાતી આ પ્રવૃત્તિ દેશભરના જિલ્લાઓ માટે પ્રેરણારૂપ છે. અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંતભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે “દિવ્યાંગો માટેનું કામ અદાણી ફાઉન્ડેશન માટે અગ્રીમતાનું કાર્ય છે. ફાઉન્ડેશન દ્વારા ભારતભરમાં વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે પરંતુ દિવ્યાંગોને સહાયતા માટેના કાર્યો છેલ્લા સાત વર્ષથી વધુમાં વધુ થઈ રહ્યા છે. આગામી સમયમાં પણ ફાઉન્ડેશન દિવ્યાંગોને મદદ કરવામાં પ્રતિબદ્ધ રહેશે”.2014-15થી અદાણી ફાઉન્ડેશનના સ્વાવલંબન કાર્યક્રમ દ્વારા દિવ્યાંગોને આત્મનિર્ભર અને આત્મસન્માનથી મુખ્ય પ્રવાહમાં લાવવાનો ભરસક પ્રયાસ કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી અદાણી ફાઉન્ડેશન વિશ્વ દિવ્યાંગ દિવસની જિલ્લા/તાલુકા સ્તરે ઉજવણી કરે છે. જેમાં સાધન સહાય, રોજગાર ભરતી મેળો, સરકારી યોજનાની માહિતીનું આદાન-પ્રદાન તેમજ દિવ્યાંગ પ્રતિભાઓને બહાર લાવવાની કામગીરી કરવામાં આવે છે. ફાઉન્ડેશન દ્વારા કુલ 8૦૦ દિવ્યાંગોને 1345 જેટલી સેવાઓ દ્વારા મદદ કરવામાં આવી છે. કમિશ્નર વી.જે. રાજપૂતે જણાવ્યું હતું કે “ અદાણી ફાઉન્ડેશને પોતાના ઘરેથી જ એક નવી પહેલની શરૂ કરી છે જે કરી છે. દિવ્યાંગો આપણી મદદના મોહતાજ નથી, તેમનામાં છુપાયેલી પ્રતિભાને ઓળખીને તેમને સમાજમાં પગભર બનાવવા જોઈએ. તેમને મદદ કરવા સરકારે કાયદાકીય વ્યવસ્થા કરેલી છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં દિવ્યાંગોને સરકારી લાભો મળી રહે તે માટે મોબાઈલ કોર્ટ સત્વરે શરૂ કરાશે”.દિવ્યાંગોની સહાયર્થે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં વિક્લાંગતા પ્રમાણપત્ર, સરકારી યોજનાનાઓના લાભ અંગે માર્ગદર્શન અને સહાય વગેરેનો સમાવેશ થાય છે. દિવ્યાંગજનોને મફત મુસાફરી માટે બસપાસ, સરકારી સાધન સહાય, પેન્શન, ઈ-શ્રમકાર્ડ વગેરેની મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં. જેઓ સરકારી યોજનાનો લાભ મેળવી શકતા ન હોય તેઓને આર્થિક મદદ પણ કરી છે. જેમાં ટ્રાઈસીકલ, હાથલારી, સિલાઈ મશીન, અનાજ દળવાની ઘંટી, કેબીન, વોકર, કૃત્રિમ હાથ-પગ, રીક્ષા વગેરે પ્રદાન કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં લાભાર્થી વિષ્ણુભાઈએ સહર્ષ લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે “મારી યોગ્યતાને ઓળખીને મને ત્વરિત નોકરી આપવા બદલ હું અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરું છું”. લાભાર્થી અવનીબેને જણાવ્યું હતું કે “અદાણી ફાઉન્ડેશને મને નોકરી આપી પગભર બનાવવામાં મદદ કરી તે બદલ તેનો આભાર માનું છું. ભવિષ્યમાં પણ ફાઉન્ડેશન આવા જ સેવાકીય કાર્યો કરી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.“ દિવ્યાંગોને આત્મસન્માન સાથે પગભર થવું છે પરંતુ જરૂર છે યથાસંભવ મદદની. ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ તેમને આર્થિક સક્ષમ કરી સમાજની મુખ્ય ધારામાં લાવવાનો વિનમ્ર પ્રયાસ છે.
અદાણી ફાઉન્ડેશન વિશે:
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.