૧૮-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
પ્રથમ તબક્કામાં શનિવારે રાજ્યના તમામ ધારાસભ્યો , સાંસદો અને કલેકટરોને આવેદનપત્ર આપવામાં આવશે
ભુજ કચ્છ :- રાજ્ય સરકારના કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકોના હિતમાં કેટલાક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. આંદોલન વચ્ચે સરકારશ્રી દ્વારા પાંચ મંત્રીશ્રીઓની કમિટી બનાવી પડતર પ્રશ્નોના ઉકેલ-સમાધાન માટે તા.૧૬/૯/૨૦૨૨ના રોજ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મહદ્અંશે પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ. પરંતુ કર્મચારીઓના મહત્વના બે પ્રશ્નો (૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જુની પેન્શન યોજનામાં સમાવવા બાબત અને (૨) તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦%ને બદલે ૧૪% ફાળો ઉમેરવા બાબત.આ મુખ્ય બે પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધની તાજેતરમાં કરમસદ ખાતે મળેલ સંકલન સભામાં પ્રશ્નોના નિરાકરણ માટે લડત કાર્યક્રમ આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.જે મુજબ તારીખઃ ૧૯/૮/૨૦૨૩ તમામ તાલુકા-જિલ્લા લેવલે ઉપર જણાવેલ મુખ્ય બે પ્રશ્નો ઉપરાંત ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવા અને પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉચ્ચતર પગાર ધોરણનો કેસ ટુ કેસ નિર્ણય કરવા આ ત્રણ પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યના તમામ ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી અને કલેકટરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મોરચા અને રાજ્યસંઘના આદેશના પગલે કચ્છ જિલ્લામાં પણ કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચા અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સાંસદ શ્રી વિનોદ ચાવડા , કલેકટર અમિત અરોરા સહિત જિલ્લાના તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવશે તેવું કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના અધ્યક્ષ નયનસિંહ જાડેજા અને મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે. આવેદનપત્રો આપ્યા બાદ પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ નહીં આવે તો આગામી તારીખઃ ૧૬/૯/૨૦૨૩ ના રાજ્યના તમામ તાલુકા-જિલ્લા લેવલે સાંજે ૬ થી ૭ કલાકે સમાધાન મુજબના પ્રશ્નોના ઉકેલ માટે સમૂહમાં એકઠા થઈ આશ્ચર્યજનક કાર્યક્રમ જેમાં મીણબત્તી-દીપ જલાવી, થાળી વગાડી સરકારશ્રીને પ્રશ્નો યાદ કરાવવાનો કાર્યક્રમ આપવામાં આવશે તેવું સયુંકત કર્મચારી મોરચાના કચ્છ જિલ્લાના મીડિયા કન્વિનર હરિસિંહ જાડેજા તથા જિલ્લા શિક્ષક સંઘના મંત્રી કેરણા આહિરે જણાવ્યું છે.









