આદર્શ વિદ્યાલય, વિસનગરના “અમૃત મહોત્સવ” અંતર્ગત “વાલી સ્નેહમિલન” કાર્યક્રમ યોજાયો

31 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલયના 75 વર્ષ પૂર્ણ થયેલ છે. જેના “અમૃત મહોત્સવ” અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા અનેક પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તા-30/12/2023 ને શનિવારના રોજ “વાલી સ્નેહમિલન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના મહાનુભાવ તરીકે શ્રી નાનજીભાઈ જી.ચૌધરી (ચેરમેનશ્રી, ખેતીબેંક- ચાણસ્મા તથા રિટા. સ્ટેટ હેડ જી.એન.એફ.સી., ભરૂચ), ડૉ.જી.એન.ચૌધરી(પૂર્વ નાયબ નિયામકશ્રી, ગાંધીનગર), શ્રી રેખાબેન ચૌધરી (પૂર્વ ચેરમેન, જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા) ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નટવરભાઈ એમ.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નાનજીભાઈ આર.ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી.ચૌધરી તથા મંત્રીશ્રી વી.જી.ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી તથા મંત્રીશ્રી કે.ડી.ચૌધરી, મોઘજીભાઈ ચૌધરી (પૂર્વ વાઈસ ચેરમેન, દૂધ સાગર ડેરી, મહેસાણા), મણીલાલ એસ.ચૌધરી (પ્રમુખશ્રી,વિસનગર શહેર ચૌધરી સમાજ વિકાસ મંડળ) તથા અન્ય હોદ્દેદારશ્રીઓ, સમાજના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ડૉ.સુરેશભાઈ વી.ચૌધરીએ મહેમાનશ્રીઓનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. તથા શિક્ષણ અને સંસ્કારોની નગરી વિસનગર શહેરના શિક્ષણ વિકાસમાં આદર્શ શૈક્ષણિક સંકુલના અમૂલ્ય યોગદાનની ગાથા રજૂ કરી હતી. ત્યારબાદ મહેમાનશ્રીઓનું કેળવણી મંડળના હોદ્દદારશ્રીઓ દ્વારા બુકે અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને મહેમાનશ્રીઓના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય મહેમાનશ્રી નાનજીભાઈ જી.ચૌધરીએ “અગવડ ને સગવડમાં ફેરવે અને કેળવે તે કેળવણી” વિશે સદ્રષ્ટાંત પ્રવચન આપી સંકુલના વિકાસ માટે રૂ.5,51,111/- (અંકે રૂપિયા પાંચ લાખ એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા પુરા) માતબર રકમનું દાન જાહેર કર્યું હતું. જેમનો કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ સાલ ઓઢાડી આભાર માન્યો હતો. આ સાથે અન્ય મહેમાનશ્રી ડૉ.જી.એન.ચૌધરીએ બાળકના વિકાસમાં પ્રથમ શિલ્પી માતા-પિતા ત્યારબાદ શિક્ષક તથા શિક્ષણ માટે બાળક પ્રત્યે હકારાત્મક અભિગમ રાખી બાળકનો આત્મવિશ્વાસ વધે તેવી રોચક વાતો સભર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શ્રી રેખાબેન ચૌધરીએ પણ બાળકના વિકાસમાં વાલી, શિક્ષક અને સમાજની મહત્વની ભૂમિકા વિશે વિવિધ દૃષ્ટાંતો આપી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ સાથે આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે દાતાશ્રી જેસંગભાઈ ભેમજીભાઈ ચૌધરી (ખજાનચી, અ.આં.કે.મં.) તરફથી રૂ.1,11,111/- (અંકે રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા પુરા) મણીલાલ એસ.ચૌધરી તરફથી રૂ.51,111/- (અંકે રૂપિયા એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા પુરા) દાન જાહેર કરેલ. જેમનો કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ સાલ ઓઢાડી આભાર માન્યો હતો. આ સાથે ઉપસ્થિત વાલીશ્રીઓએ પણ “ફૂલ નહિ તો ફૂલની પાંખડી” રૂપે યથાયોગ્ય દાન આપ્યું હતું. જે બદલ કેળવણી મંડળે અભિનંદન સાથે આભાર માન્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ, સંસ્કૃતિ, સામાજિક અને ઐતિહાસિક થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આભારવિધિ ઉપપ્રમુખશ્રી નટવરભાઈ એમ.ચૌધરીએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઈરશ્રી લવજીભાઈ જી.ચૌધરી તથા શિક્ષિકા શ્રીમતિ કોકિલાબેન.કે.ચૌધરીએ કર્યું હતું.અંતમાં સૌ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા. આમ કેળવણી મંડળના માર્ગદર્શન નીચે અને આચાર્યશ્રીની પ્રેરણાથી આદર્શ શૈક્ષણિક સંકુલના સૌ સ્ટાફ મિત્રોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.










