
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
છેલ્લા બે વર્ષમાં ૧૬ વિદ્યાર્થીનીઓએ તબીબી ક્ષેત્ર/ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો..
આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળાઓ પૈકી-મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ વિભાગ નવસારીના નિયંત્રણ હેઠળ ચાલતી આદર્શ નિવાસી શાળા, નવસારી (કન્યા) એક વટવૃક્ષ બનીને ઉભરી રહી છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામે આવેલી રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ આવેલી અનુસૂચિત જનજાતિ કલ્યાણની આદર્શ નિવાસી શાળા (એસ.ટી.) સાયન્સમાં વિવિધ જિલ્લાના વિદ્યાર્થીનીઓને રહેવા-જમવાની સુવિધા તો મળે જ છે સાથે અદ્યતન લાયબ્રેરી, લેબોરેટરી વિગેરે સુવિધા પૂરી પાડી અભ્યાસને સાનુકૂળ વાતાવરણ પણ આપવામાં આવે છે. અંતરિયાળ, આદિવાસી વિસ્તારમાંથી વાલીઓ ઊંચા અરમાનોથી દિકરીઓને વિશ્વાસથી અભ્યાસ માટે મૂકી જાય છે. આર્થિક સંકડામણ તથા દુર્ગમ વિસ્તારમાં શિક્ષણની અગવડતાને કારણે આદર્શ નિવાસી શાળામાં ભણવા આવતી વ્હાલી દિકરીઓને શિક્ષણ, સંસ્કાર, કેળવણી આપવાનું કાર્ય શિક્ષકો સતત કરે છે.
આદર્શ નિવાસી શાળા કન્યા કેળવણીની સફળતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આદર્શ નિવાસી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આજે મેડિકલ કોલેજમાં પ્રવેશ લઇને તબીબી ક્ષેત્રે અભ્યાસમાં જોડાઈ છે. નવસારી જિલ્લા માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે કે વર્ષ- ૨૦૨૧-૨૨ માં આદર્શ નિવાસી શાળાની ૦૯ કન્યાઓ એમ.બી.બી.એસ. અને ૦૨ કન્યા બી.એ.એમ.એસ.માં પ્રવેશ મેળવ્યો હતો. જયારે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૦૫ કન્યાઓ એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે શાળાના કર્મઠ, ઉત્સાહી, અનુભવી, કુશળ આચાર્યશ્રી અને શિક્ષકો ગર્વ લે છે અને દિકરીઓને અભિનંદન પાઠવે છે. અભ્યાસુ દિકરીઓ પણ એટલો જ બેવડા ઉત્સાહથી અભ્યાસમાં પોતાની આવડત અને સખત મહેનતથી બોર્ડની પરિક્ષામાં ઉજળો દેખાવ કરી સફળતા મેળવી મનગમતા ક્ષેત્રમાં આગળ વધે છે. અને ખાસ કરીને મેડીકલ જેવા કઠિન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીનીઓએ શાળા/જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યું છે.





