
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પુણેથી ગોળનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડનાં તોતીંગ વૃક્ષ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા સ્થળ પર આ વૃક્ષ તૂટીને ટ્રક પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ બનાવના પગલે થોડાક સમય માટે માર્ગ બંધ થયો હતો.પરંતુ સાપુતારા પોલીસ,વનકર્મીઓ તથા ગ્રામજનોએ આ તૂટી પડેલ વૃક્ષને ભારે જહેમત બાદ હટાવતા ફરી માર્ગ પૂર્વરત થયો હતો.આ અકસ્માતનાં પગલે ટ્રકનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.સાથે ગોળનાં જથ્થાને પણ જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 મારફતે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..





