
19-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાતે મુખ્ય નિર્વાચન અધિકારી, ચૂંટણી પંચ, ગાંધીનગર ને બુથ લેવલ ઓફીસર (BLO) ની કામગીરી માંથી ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને મુક્તિ આપવા અને અન્ય કેડર ના કમૅચારીઓને BLO ની કામગીરી સોંપવા રજૂઆત કરેલ હતી. સંસદ સંપર્ક અભિયાન દરમિયાન પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે દિલ્હી માં સાંસદશ્રીઓ ને તમામ શિક્ષકોને BLO માંથી મુક્ત કરવા રજૂઆત કરાયેલ હતી. સંદર્ભદર્શિત પત્રમાં અન્ય ૧૩ જેટલી કેડરના કમૅચારીઓ અને અર્ધ સરકારી કમૅચારીઓ ને પણ કામગીરી સોંપવા સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં મોટેભાગે શિક્ષકોને જ BLO ની કામગીરી સોંપવામાં આવે છે. જેનાથી શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસર પડે છે.શિક્ષણ અને વિધાર્થીઓ ના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લઇ અન્ય ૧૩ કેડરના કમૅચારીઓ ને કામગીરી સોંપવા આગ્રહભરી રજૂઆત કરવામાં આવેલ હતી. આ પ્રકાર ની ધારદાર રજૂઆત બાદ મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી તરફથી તમામ કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને આ બાબતે યોગ્ય કરવા આદેશ અપાયા છે અને સાથે સાથે BLO ની નિમણૂંક અંગે ભારત ના ચૂંટણી આયોગ, દિલ્હીના માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવા માટે પણ આદેશ અપાયા છે. આ કામગીરીમાં શિક્ષકો ઉપરાંત ૧૩ કેડર જેવી કે તલાટી, મધ્યાહ્ન ભોજન તેમજ અન્ય સ્થાનિક કમૅચારીઓ પાસેથી સમાનતાના ધોરણે કરાવવા અને ૩ વર્ષથી વધુ BLO ની કામગીરી કરનારને મુક્તિ આપવા તેમજ શિક્ષકોને ઓછામાં ઓછી કામગીરી આપવા મુખ્ય નિર્વાચન આયોગ, ગાંધીનગર તરફ થી સૂચનાઓ અપાઇ છે. આ પ્રકારની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાતની શિક્ષકો અને શિક્ષણની મૂળ સમસ્યાને યોગ્ય સ્તરે પરિણામલક્ષી વાચા આપવા બદલ સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-કચ્છ ના અધ્યક્ષ રામસંગજી જાડેજા તેમજ મહામંત્રી રમેશભાઈ ગાગલ વધાવે છે અને સંવેદનશીલ સકારાત્મક નિર્ણય માટે મુખ્ય નિર્વાચન અધિકારી (ચૂંટણી પંચ) ગાંધીનગર નો પણ સમગ્ર કચ્છના શિક્ષણ જગત વતી આભારનો ભાવ અનુભવે છે.










