રાજ્યના 17 હજાર રેશન દુકાનદારોની હડતાલની ચીમકી

ગુજરાત લાખો ગરીબ પરિવારો પર મુશ્કેલીના વાદળ મંડરાઈ રહ્યાં છે. એક તરફ તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે આગામી પહેલી તારીખથી રેશનીંગના દુકાનદારો હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારતા રાશનકાર્ડ ધારક લખો ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ગુજરાતમાં રેશનિંગ દુકાન ચલાવતા 17000 જેટલા દુકાનદારોએ કમિશન મુદ્દે ચીમકી આપી છે કે તેઓ અનાજનો પુરવઠો લેશે નહીં અને આથી જ મુશ્કેલી સર્જાઈ શકે છે.
વેપારીઓની માંગણી છે કે હાલ દુકાનદારોને કિલોએ 1.43 રૂપિયા કમિશન મળે છે, જેમાં વધારો કરી બે રૂપિયા કરવામાં આવે. અગાઉ જ્યારે દુકાનદારોએ હડતાલ પાડી હતી ત્યારે દુકાનદારોના કમિશન અંતર્ગત સરકારે દુકાનદારોને 20,000 રૂપિયા ચૂકવી આપવાની વાત કરી હતી જેનો અમલ થયો નથી.
આ ઉપરાંત અન્ય પડતર માંગણી પણ પુરીકરવા માંગ કરી છે. આમ જો સરકાર તેનો નિકાલ નહીં લાવે તો પહેલી સપ્ટેમ્બરથી રેશનની દુકાનોમાં રેશન નહીં મળે અને બીજી તરફ તહેવાર ટાણે રેશનકાર્ડ પર અનાજ લેતા પરિવારો મુશ્કેલીમાં મુકાશે.










