
૨૪-જાન્યુ.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
- કરછ જિલ્લામાંથી માથક પ્રા.શાળાના શિક્ષક સુરેશભાઈ મકવાણાની પસંદગી.
માાંડવી કચ્છ :- રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ ને બુધવારે સવારે ૯:૦૦ કલાકે પૂ .બાપુ દ્વારા તેમના વતન તલગાજરડા ખાતે એનાયત થશે. સને ૨૦૦૦ ની સાલથી પ્રારંભાયેલા આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રતિવર્ષ અર્પણ થાય છે.આ દિવસે તલગાજરડા (તાલુકો મહુવા) ની કેન્દ્રવર્તી શાળા – ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને ૩૫ પ્રાથમિક ભાઈ-બહેનોની મોરારીબાપુ દ્વારા આ એવોર્ડ આપીને વંદના કરવામાં આવશે. દર વર્ષે ગુજરાતના દરેક જિલ્લામાંથી (૩૩ જિલ્લા) એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ અપાય છે.જેમાં પ્રતિવર્ષની જેમ ૩૩ શિક્ષકો ઉપરાંત આ વખતે ૧ નગરપાલિકા અને ૧ મહાનગરપાલિકાના શિક્ષકો મળી મળીને કુલ ૩૫ એવોર્ડ ફાળવવાની ઘોષણા કરવામાં આવી છે. રાજ્યભરના બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે. દરેક જિલ્લાઓમાંથી આવેલ શ્રેષ્ઠ શિક્ષકોની ફાઈલમાંથી રાજ્યની પસંદગી સમિતિ દ્વારા મહોર મારવામાં આવે છે. ચિત્રકૂટ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને મોરારીબાપુ દ્વારા પ્રત્યેકને ૨૫૦૦૦ રૂપિયા નો ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ સાથે પૂ. સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરવામાં આવે છે. આ વખતના ૨૪ માં ચિત્રકૂટ એવોર્ડ સાથે શૈક્ષણિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કરછ જિલ્લામાંથી અંજાર તાલુકાના માથક પ્રા. શાળામાં મદદનીશ શિક્ષક તરીકે છેલ્લા ૧૬ વર્ષથી ફરજ બજાવતા સુરેશભાઈ મફાભાઈ મકવાણાની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સુરેશભાઈ મકવાણાની માથક શાળાને છેલ્લા પાંચ વર્ષમાં A અને A પ્લસ ગ્રેડ મેળવવામાં મહત્વની ભૂમિકા રહી છે. સ્વચ્છતામાં પણ શાળાને જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મળેલ હતો. આ સાથે સુરેશભાઈ મકવાણા માસ્ટર એથલેટિક્સમાં લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ ઉપરાંત રાજ્ય સિવિલ સર્વિસ મુલકી સેવામાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. ચિત્રકૂટ એવોર્ડ માટે સુરેશભાઈ મકવાણાની પસંદગી થતાં તેમને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા મહામંત્રી કેરણાભાઈ આહિર, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા,મંત્રી વિલાસબા જાડેજા, રાજ્ય પ્રતિનિધિઓ જયેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અંજાર તાલુકા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ જીગ્નેશ પટેલ, મંત્રી મનજી મહેશ્વરી, શોભના વ્યાસ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા છે પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે,એને અને તેને સાર્વત્રિક એવમ ઘનિષ્ઠ બનાવવાના પ્રયાસોમાં પોતાના ફાળે આવેલી કર્તવ્ય પાલનતામાં નિસ્વાર્થ સિંહ ફાળો અને યોગદાન આપનાર પ્રાથમિક શિક્ષકો સાચા શિલ્પીઓ છે ત્યારે મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ નિષ્ઠાવાન-ચારિત્રવાન પ્રાથમિક શિક્ષકો ને એનાયત થતો આ એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે.આ વેળાએ અહીં મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન સાથે મહુવા તાલુકા માંથી સેવા નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને પણ સન્માન સાથે વિદાય નિવૃત્તિ આપવામાં આવશે.










