BHUJGUJARATKUTCH

૨૦૧૬ માં એસીબીના છટકામાં ઝડપાયેલા પીએનબીના મેનેજર અને BJP યુવા મોર્ચાના ભુજ તાલુકાના મહામંત્રીને કેદની સજા ફટકારાઈ

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ : શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી BJP ના યુવા મોર્ચા (BJYM)ના ભુજ તાલુકાના મહામંત્રી ભરત હમીરભાઈ આહીરને લાંચના ગુનામાં ત્રણ વર્ષની સજા ફટકારાતા પાર્ટીમાં સોંપો પડી ગયો છે. તો બીજી બાજુ ભરત ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોવા છતાં પાર્ટીએ મહત્ત્વના હોદ્દા પર નિમણુંક અપાઈ હોવાનું બહાર આવતા કાર્યકરોમા કચવાટ ફેલાયો છે. ટૂંક સમયમાં પાર્ટી દ્વારા ભરત ઉપર સસ્પેનશન જેવા શિક્ષાત્મક પગલાં લેવાય અથવા મહામંત્રી પોતે રાજીનામું ધરી દે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
બનાવની વાત કરીએ તો ભુજમાં ઓટો ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા અરજદારે પત્નીને બાંધણી સેન્ટર શરૂ કરવા લોનની જરૂર હોઈ સરકારી યોજના હેઠળ પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી હતી. લોનની રકમ મેળવવા બેંકના મેનેજર ગોવર્ધન દીપચંદ બંભાણી (૫૭, રહે. મૂળ નવરંગપુરા, અમદાવાદ) એ અરજદાર પાસે દસ હજારની માંગણી કરી હતી. અરજદારે પહેલી વખત પાંચ હજાર રૂપિયા આપી દઈ બાકીના પાંચ હજાર આપતી વખતે એસીબીને ફરિયાદ આપી હતી. એસીબીના પીઆઈ બી.જે.ચૌધરીએ તા.૨૩/૦૪/૨૦૧૬ ના રોજ છટકો ગોઠવી લાંચ પેટે બાકીના પાંચ હજાર લેવા આવેલા બેંક મેનેજર અને તેના વચોટીયા ભરત હમીરભાઈ આહીર (રહે. જલારામ સોસાયટી, નવાવાસ માધાપર, ભુજ) વાળાને રંગેહાથ ઝડપી લીધો હતો.
ભુજની વિશેષ કોર્ટના જજ શિલ્પાબેન એમ. કાનાબારે લાંચના ગુનાને ગંભીર ગણાવી તેનાથી આખી સિસ્ટમ અને સમાજ પ્રભાવિત થતો હોવાનું જણાવી આજે બેઉને દોષી ઠેરવી સજા ફટકારી છે. ACB વિશેષ કોર્ટે બેંક મેનેજરને ૪ વર્ષની સખત કેદ અને પાંચ હજાર દંડ તથા વચોટીયા ભરત આહિરને ત્રણ વર્ષની કેદ અને અઢી હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

[wptube id="1252022"]
Back to top button