
25-જાન્યુ.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
બાલિકા સંસદ દ્વારા દીકરીઓને વિવિધ યોજનાઓ અંગે પ્રશ્નોત્તરી કરી માહિતગાર કરાયા.
રતાડીયા(ગણેશવાલા), તા.૨૫ : દીકરીઓનું ભવિષ્ય ઉજ્જ્વળ બને તે માટે સતત પ્રયત્નશીલ સરકાર દ્વારા તમામ સ્તરે દીકરીઓના વિકાસને એક અભિયાન રૂપે સ્વીકારીને 2008થી દર વર્ષે 24મી જાન્યુઆરીના દિવસને “રાષ્ટ્રીય બાલિકા દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત મુન્દ્રા તાલુકાની રતાડીયા(ગણેશવાલા)ની શ્રી સંઘ સંચાલિત સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. સુમિત્રભાઈ અને સર્વમંગલ શાળાના પ્રિન્સિપાલ હર્ષાબેનના માર્ગદર્શન હેઠળ બાલિકા સંસદનું આયોજન કરીને 16માં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવી દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગી થઈને સુવિધાઓ પૂરી પાડવાનો છે.તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ત્રીભ્રુણ હત્યા નાબૂદી અને કન્યા કેળવણીના અનેક કાર્યક્રમો શરૂ કર્યા હતાં, ત્યારબાદ સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રુણ હત્યા અટકાવવા માટે દુરંદેશી વડાપ્રધાનશ્રીએ “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરી હતી. દીકરીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરી આગળ વધીને પુરુષ સમોવડી બને તે માટે શિક્ષણ, મુસાફરી માટે પાસ, ગણવેશ, સાયકલ, સ્કોલરશીપ જેવી વિવિધ મફત મળતી સવલતો અંગે પ્રશ્નોતરી કરીને દીકરીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વ-રક્ષણ, મફત કાનૂની સહાય, 24 કલાક સેવામાં ઉપલબ્ધ અભયમ હેલ્પલાઇન (181) અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત 24મી જાન્યુઆરીને “આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ” તરીકે પણ ઉજવવામાં આવે છે અને શિક્ષણ એ માનવના સર્વાંગી વિકાસ માટે એક અનિવાર્ય જરૂરિયાત છે જેમાં શિક્ષણ માનવને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે એવી સમજ આપવામાં આવી હતી.કાર્યક્રમમાં શાળાના શિક્ષક ચંદુભાઈ ગોહિલ, જાગૃતિબેન રાયચુરા, નિકિતાબેન, ચાંદનીબેન, અંકિતાબેન, અલઝીનાબેન સહયોગી રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તિતિક્ષાબેન પ્રકાશભાઈ ઠક્કરે કર્યું હતું.