
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
રતાડીયા(ગણેશવાલા), તા.29: દેશની ભાવિ પેઢી સમાન ભૂલકાઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે અનેક આધુનિક સુવિધાઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેથી આવતીકાલની પેઢી ટેકનોસેવી બની શકે જેના અનુસંધાને તાજેતરમાં મુન્દ્રા તાલુકાની રતાડીયાની પ્રાથમિક શાળામાં રીબીન કાપીને માંડવી-મુન્દ્રાના લોકલાડીલા ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવેના હસ્તે “સ્માર્ટ કોમ્પ્યુટર લેબ”નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સરહદી કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ સ્તર ઊંચુ લાવવા સરકાર દ્વારા 15 કોમ્પ્યુટરના સેટ ફાળવવામાં આવ્યા છે ત્યારે તેનો મહત્તમ ઉપયોગ કરીને આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માટે શાળાના બાળકો સાથે ધારાસભ્યએ વાર્તાલાપ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ અગાઉ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત બ્લેકબોર્ડ સાઈઝના 3 એન્ડ્રોઇડ ટેલિવિઝન સેટ આપીને બનાવેલા સ્માર્ટ ક્લાસરૂમનો મહત્તમ ઉપયોગ થાય છે કે કેમ? તે અંગે અનિરુધ્ધભાઈએ શિક્ષકો સાથે પ્રશ્નોતરી કરીને જાણકારી મેળવી હતી. ઈન્ટરનેટ સભર સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટરથી સરકારી શાળામાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ ખાનગી સ્કૂલ જેવી સુવિધા અને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે અને અન્ય કોઈ પણ તાલુકાની શાળામાં શૈક્ષણિક જરૂરિયાત હોય તો તેને પુરી કરવાની અનિરુધ્ધભાઈ દવેએ તૈયારી બતાવી હતી.










