Dang:આહવા ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે યોજાયો આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત’નો કાર્યક્રમ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના યોજનાકીય લાભાર્થીઓએ તેમની કહાની-તેમની જ જુબાની વર્ણવી છે, જે કલ્યાણલક્ષી યોજનાની સફળતા દર્શાવે છે તેમ જણાવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, ડબલ એન્જીન સરકારની વિકસિત ભારતની સંકલ્પના દોહરાવી હતી.
વિકાસને વરેલી સરકારની, છેવાડાના વંચિતો સુધી વિકાસનો લાભ પહોંચાડવા માટેની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગામે ગામ ફરી રહી છે ત્યારે, લાભોથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને તેમના નામો નોંધાવી દેવાની અપીલ કરી હતી. આવાસના લાભાર્થીઓને મળતી સહાયની રકમ, આવાસ નિર્માણમાં જ વપરાય તે સુનિશ્ચિત કરવાનું આહવાન કરતા શ્રી વિજયભાઈ પટેલે, આવાસ માટેની જુદી જુદી આવાસ યોજનાઓનો મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી.
સમાજના દરેક વર્ગ માટે અમલી કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મેળવી, પ્રજાજનોને આર્થિક સામાજિક તથા શૈક્ષણિક વિકાસ સાધવાની અપીલ કરતા ધારાસભ્ય શ્રી પટેલે, આવાસ સહાયની મળતી રકમમાં, લાભાર્થી પોતાના આર્થિક સહયોગ સાથે પોતાના સ્વપ્નનું ઘર તૈયાર કરી શકે છે તેમ કહ્યું હતું.
તેમણે સરકારે વનબંધુ કલ્યાણ યોજના સહીત આદિવાસી સમાજના સૌથી વંચિત એવા આદિમજૂથના લોકોને પણ વિકાસની ધારામાં લાવવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે તેમ જણાવ્યું હતું. ડાંગની વર્ષોની પાણીની તરસ છીપાવતા રાજ્ય સરકારે ડાંગના ૨૬૯ ગામો માટેની રૂ.૮૬૬ કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના મંજુર કરી છે તેમ જણાવી, ડાંગના લોકોને ડેમના નામે ગેરમાર્ગે દોરતા તત્વોને જાકારો આપવા, અને ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમોના નિર્માણથી ડાંગમાં જ રોકી, ડાંગના લોકોની પાણીની જરૂરિયાત સંતોષવાની દિશામાં ડબલ એન્જીન સરકાર કાર્ય કરી રહી છે ત્યારે, પ્રજાજનોના હિત માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.
રાજ્ય સરકારે ડાંગના વિકાસ માટે તાજેતરમાં જ કરોડો રૂપિયાના માર્ગો મંજુર કરીને પ્રજાજનોની સુખાકારીની ચિંતા કરી છે તેમ જણાવતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ડાંગમાં ફરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી.
મોદી સરકારના સંકલ્પની યાદ દેવડાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને તેમના પ્રસંગોચિત વક્તવ્યમાં, ડબલ એન્જીન સરકારના હકારાત્મક અભિગમને કારણે ડાંગ જિલ્લાના પ્રજાજનો માટે અનેકવિધ વિકાસ પ્રકલ્પનો લાભ મળ્યો છે, જે બદલ તેમણે સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.
મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયારે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે આભારવિધિ આટોપી હતી.
દરમિયાન ડાંગ સ્વરાજ આશ્રમના આંગણે યોજાયેલા કાર્યક્રમનું મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી, આવાસની તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રાર્થના, સ્વાગત ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. મહાનુભાવો સહિત ઉપસ્થિત લાભાર્થીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આવાસ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે, તેમને મળેલા આવાસની ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. કાર્યક્રમના ઉદઘોષક તરીકે સર્વશ્રી બીજુબાલા પટેલ અને હિતેશભાઈએ સેવા આપી હતી.
કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી સહિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, ઉપપ્રમુખ શ્રી ભરતભાઇ ભોયે, વઘઇ-સુબિર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, તાલુકા/જિલ્લાના સદસ્યો ઉપરાંત કલેક્ટર શ્રી મહેશ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત વહીવટી તંત્રના કર્મયોગી, જિલ્લાની જુદી જુદી કચેરીઓના સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ તથા પાંચેક હજાર જેટલા ગ્રામીણજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (ગ્રામીણ) હેઠળ સને ૨૦૨૨/૨૩ સુધી કુલ ૭૮૧૧ આવાસનો લાભ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આપવામાં આવ્યો છે. જેની પાછળ સરકારે કુલ રૂ.૯૩.૭૪ કરોડનું ચૂકવણું જે તે લાભાર્થીઓને કર્યું છે.
આ યોજના હેઠળ પ્રથમ હપ્તો રૂ.૩૦ હજાર આવાસ મંજૂરીના હુકમ સાથે, બીજા હપ્તા પેટે રૂ.૮૦ હજાર વિંન્ડોસીલ લેવલે, અને ત્રીજો આખરી હપ્તો રૂ.૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી, લાભાર્થીને ચૂકવવામાં આવે છે. આમ, કુલ રૂ.૧ લાખ ૨૦ હજારની આવાસ સહાય ઉપરાંત, જે લાભાર્થીને પ્રથમ હપ્તો મળ્યેથી ૬ માસની અંદર જો તે આવાસનું બાંધકામ પૂર્ણ કરે, તો સહાય ઉપરાંત રૂ.૨૦ હજારની રાશી, તેને પ્રોત્સાહન સહાય તરીકે ચૂકવવામાં આવે છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આવાસના લાભાર્થીને બાથરૂમના બંધકામ માટે રૂ.૫ હજારની સહાય, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ શૌચાલય બાંધકામ માટે રૂ.૧૨ હજાર, અને લાભાર્થીઓને પોતાના મકાન બાંધકામમાં મનરેગા જોબકાર્ડ ધારક તરીકે શ્રમદાન કરે તો, પ્રતિદિન રૂ. ૨૩૯ મુજબ કુલ ૯૦ દિવસની રોજગારી પેટે બીજા રૂ. ૨૧ હજાર ૫૧૦ મજૂરી પણ ચૂકવવામાં આવે છે.
એટલું જ નહીં આવાસની સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓના કન્વરઝન્સથી લાભાર્થીને ફ્રી વીજ જોડાણ, ફ્રી ગેસ કનેક્શન, ફ્રી નળ કનેક્શન, અને રસ્તાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આહવા ખાતે યોજાયેલા આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રૂ.૧૮.૬૯ કરોડના વિવિધ યોજનાઓ હેઠળના કુલ ૧૫૫૮ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.








