જૂનાગઢ મનપા દ્વારા વોકળા પરના દબાણો દૂર કરવામાં ભેદભાવ અમીરોની બિલ્ડિંગો છોડી ગરીબોના ઝૂંપડા પાડવાનો આક્ષેપ

જૂનાગઢ મનપા દ્વારા વોકળા પરના દબાણો દૂર કરવામાં ભેદભાવ અમીરોની બિલ્ડિંગો છોડી ગરીબોના ઝૂંપડા પાડવાનો આક્ષેપ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા, જેને કારણે લોકોના જન જીવન ખોરવાઈ ગયા હતા, ત્યારે આ વરસાદી પાણી ધૂસવાનું કારણ કુદરતના કહેરની સાથે સાથે માનવ સર્જિત પણ હોવાનું સામે આવ્યું હતું, કારણ કે શહેરમાં પાણી નિકાલ માટે આવેલ કાળવા વોકળા આવેલ છે, જેના પર આડેધડ ગેરકાયદેસર દબાણો થયેલા છે, તે પણ જવાબદાર છે, ત્યારે જે તે સમયે આ અંગે મનપા સામે અનેક સવાલો ઉભા થયા હતા અને આ મામલો ઠેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો, અને આ અંગે ઘટતું કરવા મુખ્યમંત્રી દ્વારા તંત્રને ટકોર કરવામાં આવી હતી, પણ મનપાના આધિકારીઓ તો જાણે પાડા પર પાણી રેડ્યા બરોબર આંખ આડા કાન કરીને બેસી રહ્યા, ત્યારે જૂનાગઢમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને મુખ્યમંત્રી જૂનાગઢ આવ્યા ત્યારે ફરીથી આવા કાળવા વોકળા ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામોના દબાણો દૂર કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મનપા તંત્ર સફાળું જાગ્યુ અને વોકળા પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવાની ચાલુ કરવામાં આવી, જેમાં મનપા દ્વારા હલકું લોહી હવાલદારનું કહેવતને ખરી કહેવડાવી કારણે વોકળા ઉપર થયેલા બિલ્ડીંગોના દબાણોને છોડીને વર્ષોથી રહેતા ગરીબોના ઝૂંપડા તથા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.





