Gir Somnath : ગીર સોમનાથમાં ભૂમાફિયાઓ બેફામ: પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન નો પર્દાફાશ

વાત્સલ્યમ્ સમાચાર
સુત્રાપાડા ગીર સોમનાથ
દાનસીંહ વાજા
*સુત્રાપાડા રાઉન્ડ ની કણજોતર બીટમાં વન વિભાગની ટીમ દ્વારા જેસીબી મશીન જપ્ત કરાયું.
સુત્રાપાડા ના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને ગેરકાનૂની રીતે માટીનું ખનન કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરનાર ધામળેજ ગામના સુરસિંહ દાનાભાઈ બારડ નામના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સુત્રાપાડા રાઉન્ડના કોણજોતર બીટના ખારા તરીકે ઓળખાતા પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગત તારીખ 23/5/2023 નાં ધામળેજ ગામના સુરસિંહ બારડ સહિતના ઈસમો દ્વારા ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરી જેસીબી મશીન અને ટ્રેક્ટર દ્વારા અંદાજે 1200 ઘનમીટર જેટલી માટીનું ગેરકાયદેસર ખનન કરી ચોરી કરી ગયા હોય આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટ માં ગુન્હામાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમની કલમ 26 (1)(ક) (ઘ) (જ) અને (ઝ) મુજબ તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ 1972 નાં અધિનિયમની કલમ 29 મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આ ગુનાના આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ફરાર હતા.
દરમિયાન ગતરાત્રિના વન વિભાગને બાદમી મળતા સુત્રાપાડા પોલીસને સાથે રાખી આરોપી સુરસિંહ બારડ ની વાડીના રહેણાંક મકાન પર દરોડો પાડતા આરોપીઓ નાશી છુટ્યા હતા. જોકે સ્થળ ઉપરથી ગેરકાયદેસર ખનન માં વપરાયેલ JCB નં.GJ -14-M-5510 મળી આવતા વન વિભાગ એ મશીન જપ્ત કરી આરોપીઓની વધુ શોધખોળ આદરી છે.
ગીર સોમનાથના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં પણ ભૂમાફિયાઓ બેખોફ ખનીજ ખનન ને અંજામ આપી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી છે. હાલ તો ભૂમાફિયાઓને બચાવવા વન વિભાગ પર રાજકીય ભલામણોનો દોર પણ શરૂ થયો હોવાનું સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. આ અગાઉ પણ આવા ભૂમિયાઓને કારણે આરટીઆઈ એક્ટિવિટિસ્તો મોત ને ભેટયા છે. જો તપાસ કરવામાં આવે તો ગીર સોમનાથમાં ઘણા વિસ્તારોમાં પથ્થર, માટી , અને દરિયાઈ રેતીનું ખનન થઈ રહ્યું છે.










