મોરબીમાં ચૂંટાયેલા નેતાએ જનતા પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો, ડરાવવા રિવોલ્વર પણ કાઢી !

મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશ નગર સોસાયટીમાં રાત્રિના સમયે આગામી દિવસોમાં આવી રહેલ હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે ગામડાઓમાં રમાતી નાળિયેર ફેંકવા જેવી રમત રમતા હતા ત્યારે લોકોના મત થી ચૂંટાયેલા માળીયા મિંયાણા તાલુકાના તરઘરી ગામના સરપંચ કે જે ચંદ્રેશનગરની પાછળ રહેતા હોય કાર લઈને ત્યાંથી નિકળ્યા હતા અને રોડ ઉપર રમતા સોસાયટી વાસીઓ ઉપર કાર ચઢાવવામાં આવી હતી તેવુ પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવેલ છે. ફરિયાદ મુજબ લોકો સાથે માથાકૂટ કરીને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ સરપંચ પાસે રહેલ પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વર કાઢીને મોતનો ભય બતાવ્યો હતો જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ મોરબીના મુનનગર ચોક પાસે આવેલ ન્યુ ચંદ્રેશનગરની બાજુમાં વૃષભપાર્કમાં સ્વર્ગ ટાવરના બીજા માટે રહેતા શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણા જાતે પટેલ (ઉમર ૪૩) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તરધરી ગામના સરપંચ સાગર ફુલતરીયા રહે. હાલ સતનામ સોસાયટી મોરબી સહિત બે સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓની સોસાયટીના લોકો રાત્રિના સમયે પોતાની શેરીમાં નાળિયેરથી રમત રમતા હતા ત્યારે સાગર ફુલતરીયા કાર લઈને ત્યાં મૂનનગર ચોક બાજુથી આવેલ અને રસ્તા વચ્ચે રમત રમતા ફરિયાદી સહિતના ત્યાંના સ્થાનીક લોકો ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરિયાદી શૈલેષભાઈ માકાસણાને હડફેટે લીધા હતા અને ત્યારબાદ ત્યાં હાજર રહેલા લોકો સાથે માથાકૂટ કરીને જેમ ફાવે તેમ ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને સાગર ફુલતરીયાએ તેની પાસે રહેલ લાયસન્સ વાળી રિવોલ્વર ત્યાં હાજર લોકોની વચ્ચે કાઢીને મોતનો ભય બતાવ્યો હતો.જેથી કરીને શૈલેષભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિઓની સામે આર્મ્સ એકડ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તે પૈકીના તરધરી ગામના સરપંચ સાગર ફુલતરીયાની હાલમાં એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્રારા ધરપકડ કરીને આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૩૩૭, ૨૭૯, ૧૧૪, એમ.વી.એકટ. ૧૭૭, ૧૮૪ આમ્સ એકટ કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.