વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા તા-૦૧ : આત્મા પ્રોજેક્ટ, કચ્છ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે. આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી મેળવે તે અત્યંત જરૂરી છે. જેથી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા, કચ્છ-ભુજની કચેરી દ્વારા મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે ભીખુઋષિ આશ્રમ, સાંયરા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ૧૩૦૦ જેટલા મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પી.કે. તલાટી, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા-કચ્છ એ શાબ્દિક સ્વાગત કરી વધુમાં વધુ મહિલા ખેડૂતો આત્માના એફ.આઇ.જી. ગ્રૂપમાં જોડાય તે માટે આહવાન કર્યું હતું . તેમજ પ્રાકૃતિક કૃષિ કેમ અપનાવી જોઈએ તે માટે વિગતવાર માહિતી આપી હતી. શ્રી જયદીપ ગોસ્વામી, વિષય નિષ્ણાત, કે.વી.કે., મુન્દ્રા દ્વારા મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો તેમજ કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરવી તે વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી દિનેશભાઈ પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, કોઠારા, તા. અબડાસા દ્વારા પ્રાકૃતિક કૃષિ તેમજ મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી ચંદનજી ઠાકોર, મદદનીશ ખેતી નિયામકશ્રી, જમીન ચકાસણી પ્રયોગશાળા, ભુજ દ્વારા જમીનમાં સેન્દ્રીય કાર્બન કેવી રીતે વધારવો અને સેન્દ્રીય કાર્બનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . શ્રી રાહુલ પ્રજાપતિ, બાગાયત અધિકારીશ્રી, નખત્રાણા દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે તથા ડો. કિરણસિંહ વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભુજ-કચ્છ દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરઝડીના પ્રગતિશીલ ખેડૂત શ્રી મણીભાઈ માવાણીએ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પોતાના અનુભવો, પોતાની ત્રિસ્તરીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તેમજ પોતાના ખેતરની પેદાશોનું મૂલ્યવર્ધન કરી તેનું લોકલ માર્કેટિંગ કેમ કરવું તેના વિશે સમજણ આપી તેમજ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ તેમજ ભાનુશાલી નગર, ભુજ ખાતે આત્મા દ્વારા યોજાતા પ્રાકૃતિક કૃષિના વિકલી બજારમાં પોતાની પેદાશોનું વેચાણ કરવામાં આવે છે તે જણાવ્યું હતું. શ્રી જયસુખભાઇ પટેલ, તાલુકા પંચાયત સદસ્યશ્રી, નખત્રાણા દ્વારા મહિલા ખેડૂતોને આત્માના એફ.આઇ.જી. ગ્રૂપ સાથે જોડાવવા તેમજ ખેતીમાં મહિલાઓની ભાગીદારીનું મહત્વ સમજાવી કચ્છ જિલ્લો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી અગ્રેસર તેવી અપીલ કરી હતી.પ્રાકૃતિક કૃષિ પરીસંવાદની આભારવિધિ શ્રી દિનેશ ચૌધરી, મદદનીશ ખેતી નિયામકશ્રી, ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આત્મા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં શ્રી ભાવનાબેન રાજેશભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી-નખત્રાણા, શ્રી જયાબેન બાબુલાલ ચોપડા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, શ્રી જયસુખભાઇ પટેલ, તાલુકા પંચાયત સદસ્યશ્રી, શ્રી મહાદેવભાઇ ગોસ્વામી, એટીવીટી સભ્યશ્રી-નખત્રાણા, શ્રી બાબુભાઇ ચોપડા, સામાજિક અગ્રણી, શ્રી કમળાબેન ધીરજલાલ નાકરાણી, પૂર્વ સરપંચશ્રી, સાંયરા તથા શ્રી લીલાબેન મોહનલાલ વાસાણી, આત્મા એફ.આઇ.જી. ગ્રૂપ લીડર, સાંયરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડો. કે. ઓ. વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, શ્રી પી. કે. તલાટી, નાયબ ખેતી નિયામકશ્રી (તા.)- વ- પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, મદદનીશ ખેતી નિયામકશ્રીઓ પૈકી શ્રી દિનેશ ચૌધરી, શ્રી હસમુખ પ્રજાપતિ, શ્રી સાગર પરમાર, શ્રી સી.ડી. ઠાકોર તેમજ બાગાયત અધિકારીશ્રી-નખત્રાણા શ્રી રાહુલ પ્રજાપતિ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, શ્રી કલ્પેશ મહેશ્વરી તેમજ આત્મા યોજનાના તમામ બ્લોક ટેક્નોલોજી મેનેજરશ્રી અને આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજરશ્રી હાજર રહ્યા હતા.









