
◾️ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચાનું આયોજન
◾️૧૧ જાન્યુઆરીએ કચ્છના ૨૦૦ જેટલા કર્મચારીઓ અમરેલી ખાતે ઝોન કક્ષાના ધરણામાં જોડાશે
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ તા. ૮
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર દેશમાં જુની પેન્શન યોજનાનો અમલ કરવા અને તા. ૧/૪/૨૦૦૫ પહેલાંના કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા તથા તા. ૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦ %ને બદલે ૧૪ % ફાળો ઉમેરવા જેવા મુખ્યપ્રશ્નો સાથે દિલ્હી ખાતે દિલ્હી ઓર્ગેનાઈઝેશન અને સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશનના હોદ્દેદારો દ્વારા તા.૮ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન “રીલે હંગર સ્ટ્રાઈક” કાર્યક્રમ આપવામાં આવેલ છે. સતત ૨૪ કલાક ઉપવાસની સાંકળ રચી કર્મચારીઓ સતત ચાર દિવસ ચોવીસ કલાક દિલ્હી ખાતે ધરણાં કરવાના છે.
દેશના અન્ય રાજયોમાં પણ દિલ્હી ખાતે યોજાનાર “રીલે હંગર સ્ટ્રાઈક”ના સમર્થનમાં તા.૮ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન ઝોન વાઈઝ એક દિવસીય પ્રતિક ધરણાંનો કાર્યક્રમ આપવા A.I.P.T.F. દ્વારા અપીલ કરવામાં આવેલ છે. તે મુજબ ગુજરાત રાજયમાં પણ ૨૦૦૫ પછીનાને જુની પેન્શન યોજના અને મુખ્ય બે પડતર પ્રશ્નો માટે ઝોનવાઈઝ પ્રતિક ધરણાં યોજવાનું આયોજન કરેલ હોવાનું ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે..
આ અંગે વિશેષ માહિતી આપતા મોરચાના કચ્છ જિલ્લાના મીડિયા કન્વીનર હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ ચાર ઝોન દક્ષિણ, મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર ઝોનના વડા મથકે તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમ્યાન એક દિવસીય પ્રતિક ધરણાંનો કાર્યક્રમ બપોરે ૧૨-૦૦ થી ૩-૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં N.P.S.થી કર્મચારી શિક્ષકોને થઈ રહેલ નુકસાન તથા O.P.S. મેળવવા માટેના આગામી આંદોલન કાર્યક્રમો અંગે ચર્ચા સભા યોજી આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચાની માંગ છે કે સમગ્ર દેશમાં ૨૦૦૫ પછીના કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવે આ સાથે રાજ્ય સરકાર સાથે સમાધાન થયા મુજબ બાકી પ્રશ્નો તા.૧/૪/૨૦૦૫ પહેલાંના કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા બાબતે ઝડપથી પત્ર કરવામાં આવે અને તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦% ને બદલે ૧૪ % ફાળો ઉમેરવામાં આવે.
આ માંગો સાથે રાજ્યમાં ૮ થી ૧૧ નવેમ્બર દરમ્યાન ૪ ઝોનમાં ધરણાં કાર્યક્રમ યોજાશે જેમાં
દક્ષિણ ઝોન (સુરત ખાતે) તા.૮/૧/૨૦૨૪ના , મધ્ય ઝોન (વડોદરા ખાતે) તા.૯/૧/૨૦૨૪ ના, ઉત્તર ઝોન (મહેસાણા) ખાતે તા.૧૦/૧/૨૦૨૪ ના તેમજ સૌરાષ્ટ્ર ઝોન (અમરેલી ખાતે) તા.૧૧/૧/૨૦૨૪ ના પ્રતિક ધરણાં યોજાશે. કરછ જિલ્લાનો સમાવેશ સૌરાષ્ટ્ર ઝોનમાં થયેલ છે. ૧૧ નવેમ્બરે અમરેલી ખાતે યોજાનાર ધરણામાં કચ્છ જિલ્લામાંથી ૨૦૦ જેટલા વિવિધ કેડરના કર્મચારીઓ જોડાનાર હોવાનું કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજા અને કર્મચારી મહામંડળના કચ્છ જિલ્લાના પ્રમુખ ભાવિન ઠાકરની સયુંકત યાદીમાં જણાવાયું છે. લડતમાં ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચાની સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ સહિત વિવિધ મંડળો જોડાયા છે.
[wptube id="1252022"]





