વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.
ભુજ તા – ૫ : સમગ્ર રાજયમાં જુની પેન્શન યોજનાનું અમલીકરણ, ફિક્સ પગારી યોજના મૂળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવી તથા સરકારશ્રી સાથે થયેલ સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. જે અંતર્ગત ગત ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્રો આપ્યા બાદ ૧૬ ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં તમામ કર્મચારીઓએ ફરજ પર કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ ૨૩ ફેબ્રુઆરીના રોજ સત્યાગ્રહ છાવણી , ગાંધીનગર ખાતે રાજ્યભરના કર્મચારીઓ દ્વારા વિશાળ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જોકે સરકાર તરફથી આટલું બધું કરવા છતાં હજુ સુધી આ બાબતે કોઈ હકારાત્મક કાર્યવાહી ન થતાં કર્મચારી મંડળો ધુઆં પુઆં થયા હતા. સરકાર સામે બાંયો ચઢાવતા ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આક્રમક આંદોલન જાહેર કરતા ૬ માર્ચે તમામ કર્મચારીઓને ચોક ડાઉન, શટ ડાઉન અને પેન ડાઉન કરી પોતાની માંગણીઓ બુલંદ કરવા આદેશ કર્યો હતો. મોરચા અને મહામંડળના આદેશ અન્વયે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે જે મૂજબ આ દિવસે તમામ શિક્ષકો ચોકડાઉન કરી શિક્ષણ કાર્યથી અળગા રહેશે. શિક્ષકો , બાળકો અને મધ્યાહ્ન ભોજનની ઓનલાઇન હાજરી સહિત કોઈ પણ પ્રકારની ઓનલાઇન કામગીરી કરવામાં નહીં આવે. શાળાના સમાર્ટબોર્ડ, લેપટોપ, કોમ્પ્યુટર તમામ શટ ડાઉન રખાશે. આ દિવસે અધિકારીઓને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નહીં આવે. રાજ્યસંઘના આદેશના પગલે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા , કેરણા આહિર, હરદેવસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ જિલ્લાના તમામ શિક્ષકોને શટ ડાઉન, પેન ડાઉન અને ચોક ડાઉનમાં જોડાઇ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરવા આદેશ કર્યો છે. આગામી દિવસોમાં સરકાર તરફથી માંગો અંગે યોગ્ય પ્રતિસાદ નહીં સાંપળે તો આંદોલનંને હજુ વધુ જલદ બનાવવાની કર્મચારી મંડળોની પૂરી તૈયારી હોવાનું કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા અને કર્મચારી મહામંડળના ભાવિન ઠાકર સહિતના આગેવાનોની યાદીમાં જણાવાયું છે.









