KUTCHMUNDRA

મુન્દ્રા તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા ઠેર ઠેર નિદાન કેમ્પો યોજાયા.

૨૨-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

મેલેરિયા વિરોધી જુન માસની ઉજવણી અંતર્ગત.

મુંદરા કચ્છ  :- સામાન્ય રીતે વરસાદ બાદ જુલાઈથી નવેમ્બર માસ દરમ્યાન મેલેરીયાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે ત્યારે તેના અસરકારક નિયંત્રણ તેમજ આગોતરા આયોજનના ભાગરૂપે જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાના આશયથી રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા તાલુકામાં ઠેર ઠેર નિદાન કેમ્પો યોજવામાં આવ્યા હતા. જેમાં સ્થળ પર જ નિદાન કરીને સંપૂણ સારવાર આપવાની સાથે મેલેરિયા અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટીયાની આગેવાની હેઠળ મેલેરિયા વિરોધી જૂન માસ નિમિત્તે મુંદરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા કાંડાગરાના નવીનાળ, રતાડીયા કેન્દ્રના ગુંદાલા, વાંકી કેન્દ્રના લાખાપર, ઝરપરા કેન્દ્રના મુન્દ્રા મહેશનગર, નાની તુંબડી કેન્દ્રના મોટી ખાખર તથા નાના કપાયા કેન્દ્રના બોરાણા ગામે નિદાન કેમ્પો યોજાયા હતા જેમાં કેન્દ્રના ડોક્ટર સહિત આરોગ્ય કર્મચારીઓએ લોક જાગૃતિની કામગીરી કરી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર (ઇન ચાર્જ) ડૉ. પૌલ મેલેરિયા રોગ નિયંત્રણ અને અટકાયતી પગલા માટે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વહેલું નિદાન–સંપૂર્ણ સારવાર, પોરાનાશક કામગીરી, જંતુનાશક દવાયુકત મચ્છરદાનીનો ઉપયોગ વિગેરે જેવા સંકલિત વાહક નિયંત્રણ પગલાઓની સાથે આવનારા ચોમાસાના દિવસોમાં લોકો સ્વયં જ મચ્છર ઉત્પતિ ન થાય તે માટેની જાગૃતિ કેળવે અને ઘરની આસપાસ વરસાદી પાણી ન ભરાય તેની કાળજી લે, ઘરના પાણી ભરાયેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખે, તેમજ દર અઠવાડિયે એક વાર ખાલી કરીને ઘસીને સાફ કરીને સુકાવીને ફરીથી ભરવાનું રાખે, મચ્છરદાનીમાં સુવાનું રાખે, ઘરના બારી બારણામાં મોસ્કયુટો નેટ લગાવે, ઘરમાં લીમડાનો ધુમાડો કરે તો જ આપણે આ વર્ષે મેલેરીયાને નિયંત્રણમાં રાખી શકીશું એમ જણાવી મેલેરિયા નિયંત્રણ માટે લોકોને સહકાર આપવા અપીલ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button