ગુજરાત રાજય ઉડતા ગુજરાત બની રહ્યું છે ? ગુજરાતમાં અંદાજે 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા હોવાનુ સામે આવ્યુ છે

ગુજરાતમાં અંદાજે 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા હોવાનુ સામે આવ્યુ છે…જેમાં 11.75 લાખથી વધુ લોકો ગાંજા-અફીણનું સેવન કરે છે. ગાંજા-અફીણનું સેવન કરનારામાં 10.27 લાખ પુરૂષ અને 1.48 લાખથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રના સામાજીક ન્યાય અને સશ્કિતકરણના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર વર્ષ 2018માં મંત્રાલયે એનડીડીટીએસ-એઈમ્સના સહયોગથી સર્વે હાથ ધરાયો હતો. આ સર્વે અનુસાર ગુજરાતમાં અદાજ 2.36 લાખ પુરૂષ અને 1.49 લાખ મહિલાઓ દ્વારા ગાંજાનુ સેવન કરવામાં આવે છે. આમ ગાંજાનુ સેવન કરનારા પુરૂષોનું પ્રમાણ 0.81 ટકા અને મહિલાઓનું પ્રમાણ 0.56 ટકા છે.
આ સર્વે મુજબ અફીણનું સેવન સૌથી વધુ થઈ રહ્યાનું સામે આવ્યું છે. જેમાં 7.91 લાખ પુરૂષો દ્વારા અફીણનું સેવન કરવામાં આવે છે. આમ, અફીણનું સેવન કરનારા પુરૂષોનું પ્રમાણ 2.73 ટકા છે.
સીડેટિવ્સનું સેવન કરનારામાં 6.59 લાખ પુરૂષો અને 33 હજાર મહિલાઓનો સમાવેશ થાય છે. આમ, અફીણ બાદ સીડેટિવ્સનું ગુજરાતના પુરૂષોમાં સૌથી વધુ સેવન થાય છે. કોકેઈન લેનારા મહિલા-પુરૂષનું પ્રમાણ 1 હજારની આસપાસ છે. સમગ્ર દેશમાંથી 4.91 ટકા પુરૂષ-0.65 ટકા મહિલા ગાંજાના, 3.78 ટકા પુરૂષ-0.16 ટકા મહિલા અફીણના, 0.17 ટકા પુરષ-0.02 ટકા મહિલા કોકોઈનના બંધાણી હોવાનું સામે આવ્યું છે.
જાણકારોના મતે, આ સર્વે 2018નો છે અને તે 2019માં જારી કરવામાં આવ્યો હતો. પાંચ વર્ષમાં ડ્રગ્સનું સેવન કરનારામાં હજુ પણ ઘણો વધારો થયો હશે. ગુજરાતમાં ખાસ કરીને કોલેજ, કોફી શોપમાં ખાસ વોચ વધારવી જોઈએ. મોટાભાગના યુવાનો ત્યાં જ નશીલા પદાર્થોની લેવડ-દેવડ કરતા હોય છે.










