
તા.૨૬ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન તથા લઘુ-સૂક્ષ્મ-મધ્યમ ઉદ્યોગ અને કુટિર વિભાગના રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ રેસકોર્સ મેદાન ખાતે આયોજિત ગૌ ટેક એકસ્પો-૨૦૨૩ની મુલાકાત લીધી હતી. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઇઝડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત આ એકસ્પોમાં મંત્રીશ્રીએ ટેકનોલોજી આધારિત સંશોધનો, ગૌ ગોબર અને મૂત્ર આધારિત વિવિધ ઉત્પાદનો, કૃષિ યંત્રો, પ્રાકૃતિક ખેતીના ખાતર તેમજ દવાઓ, ગાય માટેના ફાર્માસ્યુટિકલ સંશોધનો, ગૌ આધારિત સંસ્થાઓ વગેરે સ્ટોલની મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી. તેમણે ‘‘મિશન મંગલમ’’ની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ બ્યુટી પ્રોડકટસના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. તેમની સાથે જી.સી.સી.આઈ.ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરીયા સામેલ થયા હતા.
આ તકે મંત્રીશ્રીએ ગાયનું સ્મૃતિચિહ્ન એનાયત કરીને વિવિધ સ્ટોલધારકો અને શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું હતું. મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાત સરકારના છાપકામ અને લેખનસામગ્રી વિભાગ અંતર્ગત કાર્યરત સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી સંકુલની મુલાકાત લીધી હતી. અને પ્રિન્ટિંગ પ્રેસ, કમ્પ્યુટરાઇઝડ ડિઝાઇન માટેના ડી.ટી.પી વિભાગ, અદ્યતન હાઈ સ્પીડ ડિજિટલ પ્રિન્ટિંગ વિભાગ, ગેઝેટ વિભાગ વગેરેની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ વિવિધ વિભાગોની ઓફિસ કાર્યપ્રણાલિ, મશીનોની કાર્યપદ્ધતિ, તેમજ અન્ય કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતાં. મંત્રીશ્રી વિશ્વકર્માને ગેઝેટ/રીડિંગ વિભાગમાંથી પ્રદીપકુમાર પડશાલા, મિલન રાઠોડ અને મિતેષ ચોકસીએ સમગ્ર રાજ્યના માત્ર સરકારી પ્રેસ રાજકોટ ખાતેથી નામ-અટક સુધારવા માટેના પ્રસિદ્ધ થતાં ગેઝેટ વિશેની તેમજ પ્રિન્ટિંગ સાહિત્ય અને પ્રેસના વિવિધ વિભાગોમાં થતી વિવિધ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે મેનેજરશ્રી મહેન્દ્ર ધરકાર, આસી. મેનેજરશ્રી નીરવ દવે અને નિલેશ ભાવસાર, એકાઉન્ટ ઓફિસર ડી.એમ.પોપટ, સહિતના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પરા પીપળિયા ખાતે આવેલ ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી. અને સંગ્રહીત જણસ અને સુવિધાઓની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. આ તકે ડિવિઝનલ ઇન્સ્પેક્ટર શ્રી હિંમતલાલ મેર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.