
26-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- G20 એટલે કે વિશ્વના 20 તાકાતવાન દેશોનું આર્થિક બાબતે ચિંતન કરતું વૈશ્વિક સંગઠન જેનું અધ્યક્ષપદ ભારતને મળ્યુ હોઈ પ્રત્યેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ વ્યાપારમાં આ G20 સમૂહના સભ્ય દેશોની હિસ્સેદારી 75% છે તે સંદર્ભમાં ભારતનું અધ્યક્ષ તરીકે માર્ગદર્શક હોવું એ ભારતનો વૈશ્વિક દબદબો બતાવે છે. G20 અંતર્ગત મુન્દ્રાની બી. એડ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ આવે તે હેતુથી પ્રિન્સિપાલ ડૉ. લાલજીભાઈ વી. ફફલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સર્જનાત્મક – જ્ઞાન ધારા અંતર્ગત પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોસ્ટરનો ઉપયોગ શાળા કક્ષાએ બાળકોને ભણાવવા માટે “ટીચર લર્નિંગ મટેરીયલ” (ટી.એલ.એમ.) તરીકે કરવામાં આવશે.પ્રસ્તુત સ્પર્ધામાં ડીઝીટલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, ગ્રીન એનર્જી, ઇકોનોમી ગ્રોથ, કોવિડ, સ્વચ્છ ભારત, અતિથિ દેવો ભવઃ, વિશ્વ એક પરિવાર અને વસુંધમ કુટુમ્બકમ થીમ આધારિત પોસ્ટર બનાવવામાં આવ્યા હતા. જેમાં ઉત્સાહભેર ભાગ લેનાર 8 તાલીમાર્થીઓએ G20 સમૂહના વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ કે જે દરેક દેશની એક આગવી ઓળખ અને આન – બાન – શાન રજુ કરે છે, એવું ચિત્ર – પોસ્ટરમાં દર્શાવી સ્પર્ધાત્મક માહોલ ઊભો કર્યો હતો. આ પોસ્ટર સ્પર્ધામાં ધ્રુતિ અશ્વિનભાઈ મોઘા પ્રથમ ક્રમે, જયશ્રી જગદીશભાઈ કદાવલા દ્વિતિય ક્રમે અને વૃત્તિ ભરતભાઇ વાસાણી ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા હતા.સ્પર્ધાનું સંચાલન G20 પ્રોગ્રામના નોડલ ઓફિસર પ્રા. ડો. દીપકભાઈ પંડયાએ કર્યું હતું તેમજ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના પ્રા. ડો. હિતેષભાઈ કગથરાએ સેવા આપી હતી.








