AHAVA

ડાંગ જિલ્લા પંચાયત ખાતે “શ્રી અન્ન” (મિલેટ્સ) વાનગી સ્પર્ધામાં”નાગલીની કેક” પ્રથમ ક્રમેં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગઆંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023ની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લા પંચાયત આહવા ખાતે “શ્રીઅન્ન” (મિલેટ્સ) વાનગી હરિફાઈ સ્પર્ધા યોજાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યુ હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મિલેટ્સના ગુણો અને તેના ફાયદા વિશે લોકો અવગત થાય તે માટે મિલેટ્સ વર્ષ-2023 જાહેર કર્યું છે. મિલેટ્સ પાકોમા નાગલી, વરાઇ જેવા પાકોમાંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે. જે આંગણવાડીની બહેનોએ અહીં સાબીત કર્યુ છે.સફેદ નાગલી, અડદ, જુવારના લોટની ઇડલી જેવી વાનગી બનાવવા બદલ, સ્પર્ધામા ભાગ લેનાર તમામ બહેનોને શ્રી ગાવિતે અભિનંદન પાઠવ્યા હતા.

“શ્રીઅન્ન” (મિલેટ્સ) વાનગી સ્પર્ધામા આંગણવાડી બહેનો દ્વારા નવી નવી વાનગીઓ રજુ કરવા બદલ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ બાળકો અને પ્રજા માટે આંગણવાડી બહેનોની સારી કામગીરી બદલ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનાર સમયમા દરેક આંગણવાડીમા ટેબલ અને ખુરશી જેવી સવલત ઉપલબ્ધ કરવા માટે શ્રી પણ પટેલે જણાવ્યુ હતુ.

આ પ્રસંગે ડાંગ જિલ્લાની ઓળખ સમા નાગલીનો પ્રચાર પ્રસાર કરવા માટે વહિવટી તંત્રના વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલે અપીલ કરી હતી. શુભ પ્રસંગોમા નાગલીમાંથી બનતી પ્રોડક્ટ ખાસ કરીને નાગલીની કેક, કે જે જન્મદિવસ જેવા શુભ પ્રસંગોમા ઉપયોગમા લેવામા આવે તે જરૂરી છે. સાપુતારા તેમજ અન્ય જિલ્લાઓમા પણ મિલેટ્સની વાનગીઓ અને પ્રોડક્ટનો ઉપયોગ થાય તો સ્થાનિક કક્ષાએ રોજગારીનુ પણ સર્જન કરી શકાશે, તેમ શ્રી મહેશ પટેલે જણાવ્યુ હતુ.

જિલ્લા કક્ષાની “શ્રીઅન્ન” (મિલેટ્સ) વાનગી સ્પર્ધામા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વાનગીઓનો ટેસ્ટ કરી ત્રીજો ક્રમાંક કલ્પનાબેન સુબીર તાલુકા આંગણવાડી, બીજો ક્રમાંક વાઝટેબરૂન આંગણવાડી આહવા તાલુકો, અને વધઇના આંગણવાડી બહેન મીતાબેનને પ્રથમ ક્રમાંક આપ્યો હતો. જેમા વિજેતા બનેલ સ્પર્ધકોને ઇનામ વિતરણ કરાયા હતા.

ડાંગ જિલ્લા પંચાયત ખાતે આયોજિત “શ્રીઅન્ન” (મિલેટ્સ) વાનગી સ્પર્ધામા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી જ્યોત્સાબેન પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ સર્વશ્રી હર્ષદભાઇ પટેલ, નરેન્દ્રભાઇ ઠાકરે, હર્ષદભાઇ ઠાકરે, તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button