
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ, સોમવાર:
કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.)અંતર્ગત ૨૨ બાળકના ફાટેલા હોઠ અને તાળવાની જન્મજાત ખામી દૂર કરવામાં આવી છે.
કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.પી.સી. ડૉ. ભંવર પ્રજાપતિ અને મિશન સ્માઇલના આશિષ બેનર્જી દ્વારા વિનામૂલ્યે આયોજન કરીને આ ૨૨ બાળકના ફાટેલા હોઠ અને તાળવાની ખામી દૂર કરવામાં આવી છે. જે પૈકી ૨૨ બાળકોના તા.૨૨ જાન્યુઆરી- ૨૦૨૪ના રોજ ઓપરેશન કરવામાં આવેલા છે. તેવી જ રીતે મિશન સ્માઇલ સંસ્થા, મુથૂટ ફાઉન્ડેશન અને ગોકુલ હોસ્પિટલ- રાજકોટના સહયોગથી ભચાઉ તાલુકાના પ, નખત્રાણા, ગાંધીધામ અને રાપર તાલુકાના ત્રણ-ત્રણ-ત્રણ, ભુજ તાલુકાના ૪, મુન્દ્રા તાલુકાના ૨ તેમજ અબડાસા અને લખપત તાલુકાના એક એક બાળકનું વિનામૂલ્યે ઓપરેશન કરી ફાટેલા હોઠ અને તાળવાની ખામીને દૂર કરવામાં આવી છે.
આ તમામ બાળકોને કચ્છથી રાજકોટ આવવા-જવા માટે વાહનની સવલત અને રાજકોટ હોસ્પિટલમાં રહેવા-જમવાની સુવિધા સંસ્થા દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી હતી. આ તમામ કામગીરી માટેની જરૂરી વહીવટી અને ટેકનિકલ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત ભુજ – કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રવિન્દ્ર ફૂલમાળી, આર.સી.એચ.ઓ. ડૉ. જે. એ. ખત્રી, ટેકનિકલ શાખાના સર્વશ્રી રાજુભાઈ યાદવ, દામજીભાઈ, વિજયભાઈ, કચ્છ જિલ્લાના આર.બી.એસ.કે. નોડલ ડૉ. ભાવિન ઠક્કર, નખત્રાણાના ડૉ.અજય ત્રિવેદી, ડૉ.અનિલ પંડ્યા, ડો વૈભવ શ્રાફ.ડો બ્રજેશ પંડ્યા, ડો કપિલ પટેલ અને જુદા જુદા ૧૦ તાલુકાના આર.બી.એસ.કે.ના નોડલ અધિકારીશ્રીઓએ સહયોગ આપ્યો હતો.
બીજા તબક્કામાં આગામી માર્ચ-૨૦૨૪માં આ પ્રકારનું આયોજન કરવામાં આવશે એવી વિગત આયોજકો આપી છે. બધા જ બાળકો એકદમ સ્વસ્થ છે તેનાથી તેમના વાલીજનો પણ ખૂબ ખુશ અને પ્રસન્ન છે. આમ, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ કચ્છ જિલ્લામાં બાળકો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે.