”ભારત માતા કી જય’, ‘ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે ખમીરવંતી ખાખીના અવનવા કરતબ માણતા જૂનાગઢના પ્રજાજનો

મશાલ દ્વારા ‘જય શ્રી રામ’, ‘ગીરનાર’, ‘ગુજરાત પોલીસ’, ‘ફિટ ઈન્ડિયા’ જેવા શાબ્દિક ફોર્મેશન નિહાળી મંત્રમુગ્ધ થયા પ્રજાજનો
વાત્સલ્યમ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ૨૪મી જાન્યુઆરીના રોજ જૂનાગઢની વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા ‘મશાલ પીટી’ કાર્યક્રમમાં બાઈક સ્ટંટ, મલખમ સહિત અવનવા કરતબ બતાવવામાં આવ્યાં હતાં. તેમજ ગુજરાત પોલીસના ૨૫૬ જવાનો સાથે ૫૧૨ મશાલ સાથે મશાલ પીટી કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં બંને હાથમાં મશાલ પકડીને ‘જય શ્રી રામ’, ‘ફિટ ઈન્ડિયા’, ‘ગીરનાર’ ‘ગુજરાત પોલીસ’, ‘વેલકમ ‘ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવ્યા હતાં.
આ તકે, પોલીસ બેન્ડ દ્વારા બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડની શૌર્યભરી ધૂનની પણ પ્રસ્તુતી કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જૂડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢના કલાપ્રેમી પ્રજાજનોએ અશ્વ શો, ડૉગ શો સહિત અવનવા ભવ્ય કાર્યક્રમોની પ્રસ્તુતી માણી હતી.
જૂનાગઢના પ્રજાજનોએ સોરઠી સિંહ જેવું શૌર્ય અને ચિત્તા જેવી ચપળતા ધરાવતા પોલીસ જવાનોના અદમ્ય સાહસ અને વીરતાભર્યા શૌર્યને ”ભારત માતા કી જય’ અને ‘ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે વધાવ્યું હતું. આમ ખમીરવંતી ખાખીના અવનવા કરતબ નિહાળી જૂનાગઢના પ્રજાજનો મંત્રમુગ્ધ થયાં હતાં.
આ તકે, કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, મેયર ગીતાબહેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર તેમજ અગ્રણીઓ શ્રી કિરિટ પટેલ, હરેશ પરસાણા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





