તા.૧૬/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ગવર્નીંગ બોડી, કારોબારી સમિતિ, સુખાકારી સમિતિ, મનરેગાની બેઠક યોજાઇ
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે કાર્યકારી જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગવર્નીંગ બોડી, કારોબારી સમિતિ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની સુખાકારી સમિતિ અને મનરેગાની બેઠક યોજાઇ હતી. જેમાં એજન્સી અંતર્ગત કાર્યરત યોજનાઓની ડિસેમ્બર, ૨૦૨૩ સુધીની કામગીરીની ભૌતિક અને નાણાંકીય સમીક્ષા કરાઈ હતી.
ગવર્નીંગ બોડી/કારોબારી સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. વસ્તાણી સહિત સંબંધિત યોજનાઓના અધિકારીઓ સાથે મિશન મંગલમ્, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બંન વગેરે યોજનાઓ અંગેના વહીવટ, પગાર ભથ્થા, ગવર્નીગ બોડીમાં નવા સદસ્યોની નિમણુક સહિતના મુદ્દાઓ અંગે વિશદ ચર્ચા કરી હતી.
આ ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની જિલ્લા સુખાકારી સમિતિની બેઠકમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ અંતિત થયેલા કામોને બહાલી અપાઈ હતી. તથા ગોંડલ તાલુકાના મોટા ઉમવાળા ખાતે રૂ. ૮૦ હજારના ખર્ચે બનનાર સામૂહિક શૌચાલયની દરખાસ્તને મંજૂરી, તેમજ ડોર ટુ ડોર કલેક્શન માટે ૧૧ તાલુકાઓમાં ફાળવેલી કુલ ૧૩૦ ઇ-રીક્ષાના ખર્ચને બહાલી અપાઈ હતી.
વધુમાં, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (મનરેગા)ની બેઠકમાં ૨૦૨૪-‘૨૫ અંતિત તાલુકાવાઈઝ લેબર બજેટ રજૂ કરાયું હતું. જે અન્વયે કંવર્ઝન્સ હેઠળના કામોના આયોજનની અમલવારી તેમજ ઉત્પન્ન થયેલ માનવદિન, લેબર મટીરીયલ રેશિયો એનાલીસિસ, વિલંબિત ચુકવણા બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ આવશ્યક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલ, જિલ્લા આજીવિકા મિશન અધિકારીશ્રી વી.બી.બસીયા, જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી મીનાક્ષીબેન કાચા, નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રીઓ સંજયભાઈ ગામી અને આનંદભાઈ, મદદનીશ પ્રાયોજના અધિકારીશ્રી રીટાબેન કણઝારીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.








