
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ડાંગ જિલ્લાના ૧૭ ગામોના આદિમ જૂથોના કુલ ૬૯૬ પરીવારોને પીએમ જનમન યોજના હેઠળ સર્વેમાં આવરી લેવાયા *
*આહવા, વઘઇ અને સુબિર તાલુકાના આદિમજૂથોના કુલ ૨૮૪૫ નાગરિકોને ખૂટતી સુવિધાઓ, યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે :*
*અધિકારી, કર્મચારીઓએ સકારાત્મક અભિગમ અપનાવ્યો : આદિમજૂથોને આધાર પુરાવા સહિત યોજનાકીય લાભો હેઠળ આવરી લેવાયા *
દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે “PM JANMAN -PVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે ‘પીએમ જનમન અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લાના આદિમ જુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને, સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમર કસી છે.
‘પીએમ જનમન’ કાર્યક્રમ હેઠળ ડાંગ જિલ્લામાં આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં વસતા કોટવાળીયા, કાથોડી, અને કોલધા જેવા આદિમ જૂથોનો સમાવેશ થાય છે. ખાસ કરીને નબળા આદિવાસી જૂથ પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે આદિમ જુથની વસ્તી ધરાવતા ગામોમાં જનજાગૃતિ-આઈઈસી પ્રવૃતિઓ હાથ ધરી આદિમજૂથોને જાગૃત કરીને, યોજનાના લાભ હેઠળ આવરીને સો ટકા સંતૃપ્તિ હાંસલ કરવા માટે, ડાંગ જિલ્લા વહીવટી તંત્રેપ્રયાસો હાથ ધર્યા છે.
‘પીએમ જનમન’ કાર્યક્રમ હેઠળ ડાંગ જિલ્લાના ૧૭ ગામોના આદિમ જૂથોના કુલ ૬૯૬ પરિવારોને લાભાન્વિત કરવા, પીએમ જનમન યોજના હેઠળ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. આ ૬૯૬ પરિવારોમાં કુલ ૨૮૪૫ નાગરિકોનો સમાવેશ થાય છે.
વિશેષત: આ અભિયાન હેઠળ ૧૭૯ આયુષ્યમાન ભારત યોજના હેઠળના આયુષ્માન કાર્ડ આપી દેવામાં આવ્યા છે. ૧૨૦ લાભાર્થીઓને પી.એમ. ઉજ્જવલા યોજનાનો લાભ આપવામા આવ્યો છે. ૮૧ લાભાર્થીઓને પી.એમ.આવાસ યોજના ગ્રામીણનો લાભ આપવામા આવ્યો છે. આ વિભાગોને આવતી મુશ્કેલીઓ જેવી કે, અંતરિયાળ વિસ્તારોમાં ટુલ કીટની નેટવર્ક કનેક્ટિવિટી, લાભાર્થીઓના વારંવાર મોબાઈલ નંબર બદલાવાના કારણે નોંધણીમાં આવતી મુશ્કેલીઓ, લાભાર્થીઓના થમ્બ ઈમ્પ્રેશન ન આવવાને કારણે કે, જરૂરી સાધનિક કાગળની અછત જેવી અનેક મુશ્કેલીઓને પણ નિવારવામાં આવી રહી છે.
તા.૧૫મી જાન્યુઆરી સુધી ચાલનારી આ પહેલ હેઠળ ડાંગ જિલ્લામાં વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની નોંધણી કરી લાભ આપવામાં સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે. આદિમજૂથ કુટુંબોને આધાર પુરાવા ઉપલબ્ધ કરાવવા સહિત શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ સહિત આજીવિકા સંબંધિત યોજનાઓ અંગે જાગૃકતા કેળવવા માટે, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત છે. પી.એમ. માતૃવંદના, પી.એમ. કિસાન સન્માન નિધિ, આધાર અને રેશન કાર્ડ કેમ્પ, આયુષ્માન ભારત, વય વંદના, પીએમ આવાસ, નલ સે જલ, કિસાન ક્રેડીટ કાર્ડ, જનધન યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા અને વિજળીકરણ યોજનાથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ‘પીએમ જનમન અભિયાન’ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમજૂથના તમામ પરિવારોને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે હાથ ધરાયેલા ‘પીએમ જનમન અભિયાન’ હેઠળ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ પહોચી, છેવાડાના આદિમજૂથને આધાર પુરાવા ઉપલબ્ધ કરાવી તેનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના સર્વે વર્ગોને સમકક્ષ રાખીને, તેમના હકો અને અધિકારો ઉપલબ્ધ કરાવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકાર પણ આદિમજૂથોના વિકાસને પાયાથી મજબૂત કરવા માટે સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી રહી છે.








