
કચ્છ : તા.૨૭ ડિસેમ્બર ૨૦૨૩
રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ બસ પોર્ટના લોકાર્પણમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ સ્ટેજ પર કેન્દ્રમાં જ્યારે જિલ્લા કલેકટર બીજી હરોળમાં, તો કાર્યક્રમ સરકારી કે રાજકીય?
છ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આજે મુખયમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભુજના અત્યાધુનિક બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. જો કે આ લોકાર્પણવિધિ પ્રજા માટે ઓછી અને ભાજપના કાર્યકરો માટે યોજવામાં આવ્યું હોય તેવી લાગણી ભુજવાસીઓએ બખૂબી અનુભવી હતી.
સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ ચુંટાયેલા પ્રતિનિધિ અને સરકારી અધિકારીઓને જ મંચ પર સ્થાન મળતું હોય છે. પરંતુ હમેંશની જેમ બસ પોર્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદને લોકાર્પણ કાર્યક્રમના મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. તો ક્ષોભજનક રીતે જિલ્લા કલેકટર અમીત અરોરાને દ્વિતીય હરોળમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ સમયે બસ પોર્ટનું લોકાર્પણ સરકાર નહિ પરંતુ ભાજપ દ્વારા ભાજપના કાર્યકરો માટે કરવામાં આવ્યું હોઈ તેવી અનુભૂતિ ભુજવાસીઓને થઈ હતી.
૪૦ કરોડના બસ પોર્ટના લોકાર્પણ કાર્યક્રમ માટે કરોડોનું આંધણ અને અનેકને બેરોજગાર બનાવાયા
રાજ્યના દસમાં બસ પોર્ટના લોકાર્પણ પ્રસંગે ભુજ પધારેલા મુખ્યંત્રીની સુરક્ષા અને આગતાસ્વાગતા પાછળ એકબાજુ તંત્રને કરોડોનો ધુમ્બો લાગ્યો હતો તો બીજીબાજુ બસ સ્ટેશન આસપાસના નાના – મોટા વેપારીઓને છેલ્લા ત્રણેક દિવસથી કનડગત કરી ધંધા રોજગારથી દૂર રાખવામાં આવતા હજારો લોકો બેરોજગાર બન્યા હતા અને કરોડોના અર્થતંત્રને ફટકો પડ્યો હતો.
રખડતાં ઢોરો મુદ્દે પાલિકા ૧૦૦% સફળ, નગરજનો માટે નહિ માત્ર વિવિઆઇપીઓ માટે
રાજ્યના મુખ્યપ્રધાન સહિત અનેક વિવિઆઈપીઓ પધારવાના હોઈ ભુજ નગરપાલિકા દ્વારા અડધા ભુજમાંથી રખડતાં ઢોરોને જાદુઈ રીતે ‘ગુમ’ કરી દીધા હતા. ગઈકાલથી જ રખડતાં ઢોરોને એવાં તે સગવગે કરી દેવામાં આવ્યા હતા કે જ્યાં સુધી મુખ્યમંત્રી સહિતના વિવિઆઇપીઓ ભુજ છોડીને જતા ન રહ્યા ત્યાં સુધી ગાય ભેંસો તો ઠીક એક ગલુડિયું પણ તેમના રૂટમાં આડું નહોતું ઉતર્યું. ત્યારે પાલિકાને કરોડો ટેક્સ ચૂકવતાં નગરજનો ભુજ નગરાલીકાની શક્તિ અને પ્રજા માટે કામ ન કરવાની ઈચ્છાશક્તિ વચ્ચેનો ભેદ સમજાયો હતો.
સત્તાધારીઓના ઈશારે નાચનાર માહિતી નિયામકે ‘મળતીયા’ પત્રકારોને જ પાસ બનાવી આપતા વિવાદમાં ઘેરાયા
કેન્દ્ર સરકારની એજન્સી RNI દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ અખબારોના પ્રતિનિધિઓ, ખાસ કરીને સરકારની વાહવાહી ન કરતા પત્રકારોને સરકારી કાર્યક્રમથી અડગા રાખવાનો ઠેકો જિલ્લા માહિતી નિયામકે લીધો હોય તેમ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે પાસ ઇસ્યુ ન કરાતા વિવાદ સર્જાયો હતો. જો કે બીજીબાજુ અમુક સોશિયલ મીડિયાની વ્યાખ્યામાં આવતા પોર્ટલ ન્યુઝના પ્રતિનિધિઓને પાછલા બારણે કાર્યક્રમનું કવરેજ કરવા પાસ બનાવી દેતા ફરી એકવાર જિલ્લા માહિતી નિયામક વિવાદના વંટોળે ચડ્યા હતા.








