Saputara: સાપુતારામાં પેરાગ્લાઈન્ડિંગ ફલાઈંગનું ટેન્ડર રદ્દ કરવા સ્થાનિક પાઈલોટ્સે ડાંગ જિલ્લા કલેકટરને રજુઆત કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનું હિલ સ્ટેશન સાપુતારા ખાતે ટેન્ડમ હીલ પેરાગ્લાઈડિંગ ફ્લાઈંગનું ટેન્ડર રદ કરવા બાબતે ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ એડ્વેન્ચર એસોસિએશન પાઈલોટ્સે ડાંગ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. છેલ્લાં બાર વર્ષથી સ્થાનિક એસોસિએશન દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે, છતાં સાપુતારા નોટિફાઈડ કચેરી દ્વારા વિચિત્ર શરતો સાથે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આથી ડાંગ જિલ્લાના સ્થાનિક યુવાનોની રોજગારી છીનવાઈ જવાનો ભય સેવાતાં ડાંગ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. બાર વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ડાંગ આવ્યા ત્યારે સાપુતારામાં પેરાગ્લાઈડિંગ પ્રવૃત્તિ ચાલી શકે તેવી શક્યતા જણાતાં <span;>પેરાગ્લાઈડિંગ શરૂ કરી રોજગારી મેળવવાના હેતુથી ડાંગના ૨૦ યુવાનોને પેરાગ્લાઈડિંગ ઉડાડવા માટેની તાલીમ માટે સરકારમાંથી ગ્રાંટ ફાળવી હતી. બાદ તાલીમ પામેલા યુવાનો દ્વારા ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ એડ્વેન્ચર એસો. સાપુતારાની રચના કરવામાં આવી હતી. આ એસો. થકી સાપુતારા ખાતે ગુજરાત ટુરિઝમ તેમજ નોટિફાઈડ એરિયા કચેરી- સાપુતારા દ્વારા બહાર પાડવામાં આવેલું ટેન્ડર ભરી સરકારની પરવાનગીથી રોજગારી મેળવી રહ્યા છે. એસોસિએશન દ્વારા ૬૦થી વધુ યુવાનને રોજગારી આપવામાં આવી રહી છે. હાલ સાપુતારા નોટિફાઈડ કચેરીએ ૨૦મી ડિસેમ્બરના રોજ ટેન્ડમ પેરાગ્લાઈડિંગ હીલ-ફ્લાઈંગનું ટેન્ડર પાડયું હતું. તેની શરતો અગાઉના ટેન્ડરો કરતા તદ્દન અલગ મૂકવામાં આવી છે. જેથી કોઈ એક ચોક્કસ એજન્સીના મેળાપીપણામાં ષડયંત્ર રચી ટેન્ડર પદ્ધતિ
તેમજ શરતો નક્કી કરવામાં આવી હોય તેવું લોકોમાં રહ્યું છે. આમ થતાં ડાંગ જિલ્લાનાં સ્થાનિકોની રોજગારી છીનવાઈ જશે. હાલનું ટેન્ડર રદ કરી આજદિન સુધી સાપુતારા ખાતે પેરાગ્લાઈડિંગનું ટેન્ડર જે શરતો મુજબ ચાલી આવ્યું છે તે શરતો મુજબ નવું ટેન્ડર બહાર પાડવા ડાંગ જિલ્લા કલેક્ટરને ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ
એડ્વેન્ચર એસોસિએશન સાપુતારાના પાઈલોટ્સે લેખિત રજૂઆત કરી હતી.તદ્દન નવી શરતો સાથેનું ટેન્ડર 27મી સુધી રદ કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.





