અમારા તમામ ચાર ધારાસભ્ય આમ આદમી પાર્ટી સાથે છે, કોઈએ અફવા પર ધ્યાન આપવું નહીં: ઈસુદાન ગઢવી

ચૈતરભાઈની સાથે સાથે ઉમેશભાઈ મકવાણા, સુધીરભાઈ વાઘાણી અને હેમંતભાઈ ખવાએ પણ ભાજપ સાથે જોડાવાની ના પાડી દીધી છે: ઈસુદાન ગઢવી
ભાજપના નેતાઓ આદિવાસી સમાજનો અવાજ બનવાની જગ્યાએ દલાલી કરી રહ્યા છે: ઈસુદાન ગઢવી
ભાજપ કોઈ સારા કામ નથી કરી શકતી, એટલા માટે તેઓ મીડિયા અને લોકોને ભરમાવવાનું કામ કરે છે: ઈસુદાન ગઢવી
સૌ લોટસ ઓપરેશનની બૂમો પાડી રહ્યા છે. આ ભારતના લોકતંત્રની હત્યા થઈ રહી છે : ઈસુદાન ગઢવી
એક સમયે જે લોકો પોતાની જાતને મોટા આંદોલનના નેતા માનતા હતા આજે તેઓ ભાજપમાં કંઈ બોલી શકતા પણ નથી: ઈસુદાન ગઢવી
જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બની હોત તો ગુજરાતના તમામ વડીલોને મફતમાં રામ મંદિરના દર્શન કરાવવામાં આવત. દિલ્હી અને પંજાબના વડીલો વિનામૂલ્ય રામ મંદિરના દર્શન કરવા જશે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યુ કે, મારી સૌને વિનંતી છે કે બીજી પાર્ટીના ધારાસભ્ય રાજીનામા આપતા હોય, તેમાં કોઈ પણ તથ્ય વગર અમારા ધારાસભ્યના નામ ચલાવવામાં આવે નહીં. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસ કરવામાં આવ્યા અને તેમના પરિવારને કહેવામાં આવ્યું કે આ કેસ પરત લઈ લઈશું અને જો જેલમાં ન જવું હોય તો ભાજપમાં આવી જાવ. ત્યારબાદ ચૈતરભાઈ વસાવાના પરિવારે કહ્યું કે અમે આદિવાસી સમાજની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ, ભાજપની દલાલી કરવા માટે નહીં. ભાજપના નેતાઓ આદિવાસી સમાજનો અવાજ બનવાની જગ્યાએ દલાલી કરી રહ્યા છે.
ચૈતરભાઈની સાથે સાથે ઉમેશભાઈ મકવાણા, સુધીરભાઈ વાઘાણી અને હેમંતભાઈ ખવાએ પણ ભાજપ સાથે જોડાવાની ના પાડી દીધી છે. અમારા એક ભાઈ રીઝલ્ટના બીજા દિવસે જ ભાજપ પાસે પહોંચી ગયા હતા. એક માણસને સમજવામાં અમે ભૂલ કરી હતી, પરંતુ બાકીના ચાર ધારાસભ્ય ભાજપમાં જોડાવાના નથી. હાલ અમારા ધારાસભ્ય વિશે જે અફવા ફેલાઈ રહી છે તેનાથી તેમની છબીને નુકસાન પહોંચી રહ્યું છે.
હું ભાજપને કહેવા માગું છું કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ ખેડૂતોનું દેવું માફ કરી બતાવે, 600 યુનિટ વીજળી ફ્રી કરી બતાવે, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરી બતાવે, ભાજપ આવા કોઈ કામ નથી કરી શકતી એટલા માટે તેઓ મીડિયા અને લોકોને ભરમાવવાનું કામ કરે છે. કોઈપણ પાર્ટીમાંથી જ્યારે કોઈ રાજીનામાં પડે તો એ ખૂબ જ ગંભીર બાબત હોય છે. 159 સીટો આપ્યા પછી પણ ભાજપના નેતાઓ ધરાતા નથી અને તેમને કામ કરતા પણ આવડતું નથી. એક અણઆવડત વાળો આઈએએસ અધિકારી આવી જાય તો તે આખા જિલ્લાને ખતમ કરી નાખે છે પરંતુ અહીંયા તો ભાજપની આખી ફોજ અણઆવડત વાળી છે. ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એની કોઈ ચિંતા નથી પરંતુ સૌ લોટસ ઓપરેશનની બૂમો પાડી રહ્યા છે. આ ભારતના લોકતંત્રની હત્યા થઈ રહી છે અને મીડિયાએ આ બાબતને વખોડવી જોઈએ.
એક સમયે જે લોકો પોતાની જાતને મોટા આંદોલનના નેતા માનતા હતા આજે તેઓ ભાજપમાં કંઈ બોલી શકતા પણ નથી, કારણ કે ભાજપની સિસ્ટમ છે એમાં તેઓ કહેતા હોય છે કે આવો, અને દેશ લૂંટાતો હોય તો પણ તાલીઓ પાડો. ભગવાન રામનું મંદિર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અને આપણા સૌએ જે પૈસા આપ્યા તેનાથી બની રહ્યું છે. જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બની હોત તો ગુજરાતના તમામ વડીલોને મફતમાં રામ મંદિરના દર્શન કરાવવામાં આવત. દિલ્હી અને પંજાબના વડીલો વિનામૂલ્ય રામ મંદિરના દર્શન કરવા જશે.
આમ આદમી પાર્ટી ગુજરાત










