તા.૨૦/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્રારા “જિલ્લાકક્ષા કલા મહાકુંભ :૨૦૨૩-૨૪” નું આયોજન તા. ૨૨/૧૨/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ દરમ્યાન શ્રી હેમુ ગઢવી નાટયગૃહ, રાજકોટ તેમજ શ્રી એસ.વી.વિરાણી હાઈસ્કુલ, ટાગોર રોડ ખાતે યોજાશે.
તાલુકાકક્ષા કલા મહાકુંભની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધા માટે અરજી કરનાર પાત્રતા ધરાવતા (૧) ૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ વયજુથનાં સ્પર્ધકો વચ્ચે (૧) વક્તૃત્વ, (૨) નિબંધ લેખન, (૩) ચિત્રકલા, (૪) લોકનૃત્ય, (૫) રાસ, (૬) ગરબા, (૭ ) ભરતનાટ્યમ, (૮) સુગમ સંગીત, (૯) લગ્નગીત, (૧૦) સમૂહ ગીત, (૧૧) લોકગીત/ભજન, (૧૨) હાર્મોનિયમ (હળવું), (૧૩) તબલા, (૧૪) એકપાત્રીય અભિનય (૧૫) કાવ્ય લેખન (૧૬) ગઝલ શાયરી લેખન (૧૭) લોકવાર્તા (૧૮) દુહા-છંદ-ચોપાઇ (૧૯) સર્જનાત્મક કારીગરી (૨૦) ઓરગન (૨૧) કથ્થક (૨૨) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) જેવી ૨૨(બાવીસ) કૃતિઓ માટે હરિફાઈનું આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે સ્પર્ધકોએ પોતાની સ્પર્ધા શરૂ થવાનાં સમયથી પહેલા ૩૦ મિનિટ અગાઉ નિયત સ્થળે પોતાનું રિપોર્ટીંગ કરાવી સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધક-કલાવૃંદ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ શ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.








