
તા.૧૫ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાતના સૌપ્રથમ કેન્દ્ર ખાતે ૭ કેસો નોંધાયા-૫૦ થી વધુ લોકોએ મેળવ્યું માર્ગદર્શન
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૩થી કાર્યરત એચ.આઇ.વી. પોઝિટિવ લોકો માટેના પી.એલ.વી. કેન્દ્ર ખાતે ૭ કેસો નોંધાયા છે, અને આ કેન્દ્ર ખાતેથી અંદાજે ૫૦ થી વધુ નાગરિકોએ માર્ગદર્શન મેળવ્યું છે.

એચ.આઇ.વી. પોઝિટિવ લોકોને કાનૂની સહાય પૂરી પાડવા માટે ગુજરાતનું સૌપ્રથમ ખાસ પેરાલીગલ વોલન્ટીયર સેલ જૂના યુ.એલ.સી. બિલ્ડિંગ, જૂની કલેકટર કચેરી ખાતે કાર્યરત કરાયું છે. જયાં દર સોમવાર અને બુધવારે અરજદારોને વકીલો દ્વારા ખાનગી અને અલાયદા વાતાવરણમાં જરૂરી કાનૂની સહાય અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે.
આર.ડી.એન.પી.પ્લસ ટ્રસ્ટના શ્રી જગદીશભાઈ પટેલના જણાવ્યા અનુસાર લગભગ ત્રણ મહિનાના સમયમાં ૫૦થી વધુ લોકોએ આ કેન્દ્રની મુલાકાત લઈ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું છે. મોટે ભાગે એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિ કે તેના સ્નેહીઓ કેન્દ્રની મુલાકાત લેતા હોય છે. ઉપરાંત, કાનુની સલાહ આપીને ૭ કેસ પણ રજિસ્ટર કરવામાં આવ્યા છે. આ કેસોમાં એચ.આઈ.વી પોઝીટીવ હોવાને કારણે ભેદભાવથી પ્રેરિત અન્યાયો જેવા કે વારસાગત મિલકતમાં હિસ્સો ન આપવા, જીવનસાથી દ્વારા હેરાનગતિ કે એચ.આઈ.વી પોઝીટીવ હોવાનું જાહેર કરીને ત્રાસ આપવો, છૂટાછેડા, વગેરે કેસોનો સમાવેશ થાય છે. ૬ પુરૂષ અને એક મહિલા અરજદારો દ્વારા કાનૂની માર્ગદર્શન બાદ કેસ ફાઈલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સંસ્થાના કાઉન્સેલર દ્વારા ૧૦ થી ૬ના સમયમાં જરૂરતમંદ લોકોને માહિતી અને માર્ગદર્શન તેમજ જરૂર પડ્યે અન્ય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ અંગે નેશનલ એઇડ્સ હેલ્પલાઇન ૧૦૯૭ ઉપર પણ સંપર્ક કરી શકાય છે.








