BHUJGUJARATKUTCH

નખત્રાણા ખાતે રાજ્ય પ્રા. શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

૧૯-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

શિક્ષક એ બાળકોના ભવિષ્યનો ઘડવૈયો છે : પ્રધ્યુમનસિંહ જાડેજા

નખત્રાણા કચ્છ :- ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સમિતિની બેઠક અખિલ કચ્છ કડવા પાટીદાર કુમાર છાત્રાલય, નખત્રાણા ખાતે મળી હતી.બેઠકમાં વિશેષ ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા સંઘોના પ્રમુખ, મહામંત્રી, રાજ્ય સંઘના હોદ્દેદારો ઉપરાંત રાજ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે તાજેતરમાં અવસાન પામેલ ઓલ ઈન્ડિયાના પ્રમુખ સ્વ. રામપાલસિંહ ,રાજ્યસંઘના પૂર્વ પ્રમુખ સ્વ.દિલીપસિંહ ગોહિલ અને નખત્રાણાના કાર્યાધ્યક્ષ સ્વ.અરજણ સાધુના માનમાં મૌન પાળવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગતથી જ્યારે કન્યા શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી સૌને આવકાર્યા હતા. સિ. મંત્રી પ્રભાતસિંહ ખાંટે ગત મિનિટસનું વાંચન તો ખજાનચી રણજીતસિંહ પરમારે હિસાબો રજૂ કર્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શિક્ષકોને સમજે મૂકેલ વિશ્વાસ સાર્થક કરવા સાથે શિક્ષકો અને શિક્ષણના પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી. બેઠકમાં પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના ચાલુ કરવા કાર્યક્રમ આપવા, જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવા, એચ. ટાટ આચાર્યોના બદલીના નિયમો સત્વરે બહાર પાડવા, સી.પી.એસ.કપાત ૧૦ ની સામે ૧૪ % કરવા, મુ. શિ. એલાઉન્સ અને કંટીજંસી દરોમાં વધારો કરવા, બી.એલ. ઓ. માં અન્ય કેડરના કર્મચારીઓને સમાવવા, બદલી થયેલ શિક્ષકોને છૂટા કરવા, પી. એફ.એમ.એસ. અને પ્રેઇસા સોફ્ટવેરમાં પડતી મુશ્કેલીઓ નિવારવા, ઓનલાઇન કામગીરીનું ભારણ ઘટાડવા વગેરે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે રામકથા અને રાષ્ટ્રીય અધિવેશનના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષક જ્યોત સભ્ય સંખ્યા વધારવા, વર્ષ ૨૦૨૩ ની સભ્ય ફી જમા કરાવવા , રાજ્ય કારોબારીની મુદ્દત પૂરી થતાં ચુંટણી યોજવા અને ચિત્રકૂટ એવોર્ડ બાબતે પણ ચર્ચા કરાઇ હતી. બેઠકમાં રાજ્યસંઘના સિનિયર હોદ્દેદારો સાથે કચ્છ જિલ્લાના આગેવાનો હરિસિંહ જાડેજા, વિલાસબા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા ઉપરાંત જિલ્લા અને તાલુકાના હોદેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કારોબારી સભાનું સંચાલન રાજ્યના મહામંત્રી સતિષ પટેલ અને ઘનશ્યામસિંહ જાડેજાએ જ્યારે આભારવિધિ જિલ્લા સંઘના મંત્રી કેરણા આહિરે કરી હતી. આયોજનને સફળ બનાવવા નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા અને મહામંત્રી ઘનશ્યામ પટેલના માર્ગદર્શન હેઠળ સૌ હોદ્દેદારો અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button