
૯ – નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- દિવાળી પર્વે અદાણી ફાઉ. દ્વારા દિવ્યાંગજનોને રોજગારલક્ષી સાધન સહાય.
દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ પાથરવાનો અનોખો પ્રયાસ.
અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડના સહયોગથી દિવ્યાંગોની દિવાળીમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિવ્યાંગોને રોજગારલક્ષી સાધન સહાય દ્વારા ઉર્જાવાન બનાવવામાં આવ્યા છે. મુંદ્રામાં આયોજીત કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી, સરકારી પદાધિકારીઓ સહિત આસપાસના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અદાણી હાઉસ ખાતે આયોજીત કાર્યક્રમમાં 35 દિવ્યાંગજનોને સક્ષમ બનાવવા રોજગારલક્ષી સાધનો પ્રદાન કરવામાં આવ્યા. જેમાં ટ્રાયસીકલ, વ્હિલચેર, સિલાઈ મશીન, હાથલારી, હીયરીંગ મશીન, સુથારી કામની કીટ વગેરે સાધનોનો સમાવેશ થાય છે.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અદાણી પબ્લીક સ્કૂલના ડિરેક્ટર અમીબેન શાહ સહિત કચ્છ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અદાણી વિલમારના અને કચ્છ કોપર લિ.ના વડા, કચ્છ સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, કચ્છ દિવ્યાંગ મંડળના શામજીભાઈ આહીર તથા તાલુકા હેલ્થ ઓફિસર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અદાણી પબ્લીક સ્કૂલના ડિરેક્ટર અમીબેન શાહે જણાવ્યું કે “દિવ્યાંગો પ્રત્યે કરૂણા સાથે તેમના જીવનમાં પથરાયેલા અંધકારમાં કોડીયુ બની ઉજાસ પાથરવાનો આ પ્રયાસ માત્ર છે. રોજગારલક્ષી સાધન સહાયનો લાભ મેળવી તેઓ સન્માનજનક જીવનયાપન કરી શકશે“. ધોરણ 11 ની વિદ્યાર્થિની અમ્રિતાએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે “બેટરીવાળી ટ્રાઈસીકલ ખરીદવી એ મારા માટે સપના સમાન હતું જે અદાણી ફાઉન્ડેશને સાકાર કર્યુ છે”. વિદ્યાર્થીઓને ભણાવી ગુજરાન ચલાવતા બંને પગે દિવ્યાંગ પૂર્વીબેન ગોસ્વામીને પણ જરૂરી સાધન સહાય કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. દિવ્યાંગ મેઘાભાઈ અને તેમના પત્ની પાબીબેને બનાવાયેલા પેંડાથી સૌ મહેમાનોનું મ્હોં મીઠું કરાવવામાં આવ્યું હતી. પાબીબેનના ગૃહ ઉદ્યોગનું અદાણી ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહે દિવ્યાંગો માટે થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. સમાજ સુરક્ષા અધિકારી નરેશ ચૌહાણે તે સેવાકીય પ્રવૃત્તિઓને ભારોભાર બિરદાવી હતી, તેમણે સરકારી યોજનાનો લાભ મેળવવા લોકોને પ્રેરિત કર્યા હતા. કચ્છ દિવ્યાંગ મંડળના જગદીશભાઈ બારોટે અદાણી ફાઉન્ડેશનનો દિવ્યાંગો તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.










