Isudan Gadhavi : ગુજરાતમાં હવે નકલી સરકારી કચેરીઓ પણ ચાલુ થવા લાગી, ભાજપના રાજમાં એક નવો રેકોર્ડ બન્યો: ઈસુદાન ગઢવી

પહેલા જોયું હતું કે પીએમઓમાં નકલી અધિકારીઓ ફરતા હતા અને હવે ગુજરાતમાં નકલી સરકારી કચેરી પણ આપણે સામે આવી: ઈસુદાન ગઢવી
ભાજપના મુખ્યમંત્રી અને મંત્રીઓને કઈ રીતે સરકાર ચલાવવી તેની કોઈ આવડત નથી: ઈસુદાન ગઢવી
સરકાર ચલાવવામાં ભાજપ સદંતર રીતે નિષ્ફળ સાબિત થઇ છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ભાજપના રાજમાં આપણે નકલી બિયારણ, નકલી ઘી અને નકલી ખાતર જેવી વસ્તુઓ જોઈ છે. પરંતુ હવે ભાજપના રાજમાં એક નવો રેકોર્ડ બન્યો છે. હાલ એક ઘટના સામે આવી જેમાં ગુજરાતમાં એક નકલી સરકારી કચેરી ઝડપાઈ છે. આ નકલી સરકારી કચેરીમાં કૌભાંડ કરવાવાળા લોકોએ નકલી ઓફિસ ઊભી કરી, નકલી સહી સિક્કા બનાવ્યા અને સરકારી મીટીંગોમાં પણ હાજરી પણ આપતા રહ્યા.
સરકાર પાસેથી એક લોન પાસ કરાવવા માટે 25 અલગ અલગ જગ્યાએથી ફાઈલ પસાર કરવી પડતી હોય છે. અને આ નકલી સરકારી કચેરીએ ચાર કરોડથી વધુના કામોને મંજૂર કરાવી લીધા. આપણને સવાલ થાય કે આ કોના હાથમાં વહીવટ છે, આ કઈ રીતની સરકાર ચાલી રહી છે. આપણે થોડા સમય પહેલા જોયું હતું કે પીએમઓમાં નકલી અધિકારીઓ ફરતા હતા અને હવે ગુજરાતમાં નકલી સરકારી કચેરી પણ આપણે સામે આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકાર સદંતર રીતે સરકાર ચલાવવામાં નિષ્ફળ છે. ભાજપના મુખ્યમંત્રી અને મંત્રીઓને કઈ રીતે સરકાર ચલાવવી તેની કોઈ આવડત નથી. આ ઘટના ગુજરાતના નાગરિકો માટે પણ એક કાળા ધબ્બા સમાન છે, કારણ કે બહારના લોકો એમ પણ કહી શકે છે કે ગુજરાતમાં તો નકલી સરકારી કર્મચારીઓ અને નકલી સરકારી કચેરીઓ ચાલી રહી છે. માટે આ ઘટના સમગ્ર ગુજરાતના લોકો માટે એક કાળા દાગ સમાન કહેવાય.










