વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની આહવા ગ્રામ પંચાયતમાં કાયમી ધોરણે તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા આઇટી સેલ પ્રમુખ કોંગ્રેસ પક્ષ દ્વારા ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની ગ્રામ પંચાયત એ જિલ્લાની મોટામાં મોટી ગ્રામ પંચાયત છે. પરંતુ ત્યાં તલાટી કમ મંત્રી ન હોવાથી લોકોએ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ જાતિનો દાખલો,આવકનો દાખલો, પેઢીનામા બનાવવા માટે તકલીફ વેઠવી પડી રહી છે. છેલ્લા દોઢેક મહિનાથી આહવા નગરની વ્યવસ્થા ખોવાઈ ગયેલી જોવા મળી રહી છે. જેથી આવા ગ્રામ પંચાયતમાં કાયમી ધોરણે તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે અને લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સમગ્ર મામલાને લઈને મનીષ મારકણા ડાંગ જિલ્લા આઈટી સેલ પ્રમુખ કોંગ્રેસ પક્ષ દ્વારા ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જો બે દિવસમાં કાયમી તલાટી કમ મંત્રીની નિમણૂક નહીં થાય તો આહવા નગરના લોકો સાથે મળી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે..





