
તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નગરોના પ્રવેશ માર્ગોથી લઈને મુખ્ય વિસ્તારોની કાયાપલટ કરવાનું આયોજન
Rajkot: “સ્વચ્છતા જ સેવા”ના સૂત્ર સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત ગુજરાત રાજ્યમાં વ્યાપક સફાઈ ઝુંબેશ શરૂ થઈ છે. જે અંતર્ગત રાજકોટ ઝોનની ૩૧ નગરપાલિકાઓમાં ત્રિસ્તરીય સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.
આ અંગે માહિતી આપતા રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે, ઝોનની પાલિકાઓમાં સ્વચ્છતા અભિયાન માટે ત્રણ તબક્કામાં આયોજન કરાયું છે. જેમાં સૌ પ્રથમ પાલિકાઓના એન્ટ્રી પોઈન્ટ તથા એક્ઝીટ પોઈન્ટને સ્વચ્છ બનાવવામાં આવશે. આ બાબતને પ્રાથમિકતા આપીને વેગ અપાશે.
તેમણે કહ્યું હતું કે, બીજા તબક્કામાં પાલિકાઓના મુખ્ય વિસ્તારો જેવા કે હોસ્પિટલો, હોસ્પિટલ ચોક, રેલવે-બસ સ્ટેશન, મુખ્ય બજાર તેમજ શહેરની ઓળખ સમાન મહત્ત્વના સ્થળોને અગ્રતામાં લઈને સ્વચ્છતા કરવાનું આયોજન હાથ ધરાયું છે.
આ ઉપરાંત પાલિકા વિસ્તારોમાં ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટને દૂર કરાશે. દરેક પાલિકા વિસ્તારોમાં આવા ૧૦ પોઈન્ટ નિયત કરાયા છે, આ એવા સ્થળો છે, જ્યાં લોકો નિયમિત કચરો નાંખે છે અને પાલિકા દ્વારા નિયમિત સફાઈ થાય છે. હવે આવા ગાર્બેજ પોઈન્ટ દૂર કરીને ત્યાં સંપૂર્ણ સ્વચ્છતા સાથે બગીચા, બેસવાના સ્થળો, રમતનું મેદાન વગેરે તરીકે વિકસાવવાનું પણ આયોજન કરાયું છે.
આ સફાઈ ઝુંબેશમાં પાલિકાઓના સફાઈ કર્મચારીઓ ઉપરાંત નાગરિકો, અન્ય સંગઠનો, પદાધિકારીઓનો પણ સહયોગ લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.