
9-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- ક્ચ્છના શિક્ષક-કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, ગત વર્ષે થયેલ આંદોલન વખતે મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર ઠરાવ બહાર પાડી અમલ કરવા તથા સંગઠનના નવ સંવર્ગના પડતર પ્રશ્નો ઉકેલવા સરકારશ્રીમાં ભલામણ પત્ર લખવા અંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાસાહેબ સમક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા રજૂઆત કરાઈ હતી.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો અંગે માંગ તથા આંદોલન કરી રહ્યું છે. તે સંદર્ભે ગત વર્ષ થયેલ આંદોલન દરમિયાન મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન થયેલ અન્ય બાબતોના ઠરાવ થયેલ નથી. માનનીય મુખ્યમંત્રીએ માહિતી ખાતાના માધ્યમથી તથા સરકારના પ્રવક્તા મંત્રીએ મિડિયા સમક્ષ કરેલ જાહેરાત અનુસાર ઠરાવ ન થતાં સમગ્ર શિક્ષકોમાં આક્રોશની લાગણી છે.ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાધાન મુજબના ઠરાવ કરીને તેને અનુસંધાને કાર્યવાહી કરવા તથા સંગઠન સંલગ્ન નવ સંવર્ગના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સરકારશ્રીમાં ભલામણ પત્ર લખવા આવેદન અપાયું હતુ. જે અનુસંધાને બન્ને ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ તેમજ ત્રિકમભાઈ છાંગા સાહેબે હકારાત્મક પ્રતિસાદ આપતા શિક્ષક તેમજ કર્મચારીઓની લાગણી અને માંગણી સરકાર સુધી પહોચાડવાની વાત કરેલ હતી.આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા,મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર અને અમોલભાઈ ધોળકિયા, ભુજ પ્રાથમિક અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા અને મહામંત્રી બળવંતભાઇ છાંગા, અંજાર પ્રાથમિક અધ્યક્ષ મયુરભાઈ, અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, પ્રચાર પ્રમુખ નરેન્દ્રભાઈ રામાનુજ તેમજ કચ્છના અલગ અલગ સંવર્ગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા.