
તા.૩૦/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લા પંચાયતના આરોગ્ય સ્ટાફને કાર્ડિયો પલ્મોનરી રીસર્સીટેશન (CRP)ની ટ્રેનિંગ અપાઈ
આરોગ્ય કેન્દ્રો ખાતે નોન કોમ્યુનિકેબલ ડીસીઝના સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા
Rajkot: દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ “વર્લ્ડ હાર્ટ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. WHO પ્રમાણે વિશ્વમાં દર વર્ષે આશરે ૧૭.૯૦ મીલીયન લોકો કાર્ડિયો વાસ્ક્યુલર ડીસીઝને કારણે મૃત્યુ પામે છે આ રોકવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી હાર્ટ એટેકને રોકવા સામાન્ય જનતામાં આ બાબતની જનજાગૃતિ કેળવવા દરેક તાલુકામાં, જિલ્લામાં અને રાજય કક્ષાએ આ વિષયને લગતી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્રારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એન.એમ.રાઠોડ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારશ્રી ડો.પી.કે.સિંઘ તેમજ આરોગ્ય વિભાગની ટીમે ‘‘વર્લ્ડ હાર્ટ ડે’’ની ઉજવણી કરાઇ હતી.

આ પ્રવૃતિઓમાં જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતના આરોગ્ય સ્ટાફને (CRP) કાર્ડિયો પલ્મોનરી રીસર્સીટેશનની ટ્રેનિંગ અપાઈ હતી. જેમાં હ્રદયરોગ અને બિન ચેપી રોગો જેવા કે ડાયાબિટીસ, કીડની, કેન્સર વગેરે રોગો અંગેની માહિતી આપવામાં આવી હતી. ઇમરજન્સીમાં શુ કરવું, તેના વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.

તાલુકા કક્ષાએ RBSK ટીમ દ્વારા શાળાઓમાં, કોમ્યુનીટી હેલ્થ સેન્ટર,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર,પોલીસ સ્ટેશન,કોર્ટ,વૃદ્ધાશ્રમ ખાતે નોન કોમ્યુનિકેબલ ડીસીઝનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા હતા.









