GUJARAT

જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આશરે 400 વર્ષ પુરાણું ગજાનંદ ગણપતિનું મંદિર સ્થાપિત છે, ત્યારે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ આસ્થા સાથે શ્રીજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે.

સર્વ પાપોનો નાશ કરનાર અને ભક્તોનું મંગલ કરતાં દેવ એટલે વિનાયક. ઉમા શંકરના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના દાતા એટલે શ્રી ગણેશ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં ગજાનંદ ગણપતિનું આશરે 400 વર્ષ પુરાણું ઐતિહાસિક મંદિર આવેલું છે. પૌરાણિક દંતકથા અને લોકવાયકા મુજબ અહીની તપોભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્કજીએ સેંકડો વર્ષ તપ કરી સૂર્યની ઉપાસના કરી હતી, ત્યારે ભાનુ એટલે કે, સૂર્યને નીચે ઉતરવાની ફરજ પાડી હતી. તેથી આ તપોભૂમિ ભાનુક્ષેત્ર તરીકે પણ પ્રસિદ્ધ થઈ છે. જોકે ભાનુ ક્ષેત્રનું અપભ્રંશ થઈને ગામનું નામ ભાણખેતર થયું છે. ભાણખેતર ગામે ગણપતિ મંદિર નજીક નાગેશ્વર તળાવનો છેડો છે, જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુંવારી ભૂમિ ગણાય છે. તેનું દાન પણ ધર્મમાં વિશિષ્ટ મહત્વ માનવમાં છે.

ભાણખેતર ગામની તપોભૂમિ પર ખોદકામ વેળા જમીનના પેટાળમાંથી શંખ, છીપલાં સાથેની રાખોડી રંગની માટી મળી આવી હતી, ત્યારે સાધુ મહાત્માઓ દ્વારા માટી અને વાંસની કામળીથી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ શંકર સ્વરૂપ, ત્રિનેત્રાય, ચંદ્રમૌલેશ્વર, એકદન્તાય, જમણી સુંઢ તથા મસ્તક ઉપર શેષનાગ ધારણ કરેલ છે. આ મૂર્તિ 12 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી વિરાટ મૂર્તિ છે. અહી બિરાજમાન ગણેશજી આરામની અવસ્થામાં દૈદિપ્યમાન લાગે છે. ભાણખેતર ગામના ગણેશ મંદિરે જંબુસર શહેર અને તાલુકા સહિત અન્ય જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ દર ચોથના દિવસે દાદાના દર્શનાર્થે આવે છે. જોકે આ દરબારમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, તેવી પણ શ્રધ્ધાળુઓની માન્યતા છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button