
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
શિક્ષકોની જૂની પેન્શન યોજના બાબતે તથા સમાધાન મુજબ સી.પી.એફ.માં ફાળો ઉમેરવા અને અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંવેદના દ્વારા “દીપ જલાવી, થાળી વગાડી સરકારને જગાડવાનો” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજય સરકાર દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો તથા વિધાનસભાની ચૂંટણી પહેલા જે માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેનો ઠરાવ આજ દિન સુધી કરવામાં આવેલ નથી. જેના કારણે રાજ્યભરમાં શિક્ષકો દ્વારા તબક્કાવાર આંદોલનના વિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ગ્રાન્ટ નીતિનો પ્રશ્ન ઉકેલની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ ઘણા પ્રશ્નોના ઠરાવો/ પરિપત્રો જાહેર કરવામાં આવેલ નથી. તેથી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ પોતાનું આંદોલન હજુ પણ ચાલુ જ રાખ્યું છે.અને શિક્ષકો દ્વારા તબક્કા વાર કાર્યક્રમ થઈ રહ્યા છે.ત્યારે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દીપ જલાવી થાળી વગાડી સરકારને જગાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્યત્વે તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલ કર્મચારીઓ હાલની નવી પેન્શન યોજનામાં છે તેમને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓના સમાધાન મુજબ સી.પી.એફ. માં સરકાર દ્વારા ૧૦ ટકાના બદલે ૧૪ ટકા ફાળો ઉમેરવા માટે માંગ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આહવા ખાતે જિલ્લા કલેકટર કચેરી ની સામે દીપ જલાવી, થાળી વગાડી સરકારને જગાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને સરકાર દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ ન કરવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…





