
તા.૧૨/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી જન્માષ્ટમી વેકેશન દરમ્યાન વિવિધ થીમ પર યુવક-યુવતીઓ યુવાશિબિરનો લાભ લેતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે તા. ૧ થી ૫ સપ્ટેમ્બર દરમ્યાન 47 Doctors, 157 Engineers, 54 BBA, 67 BCA, 134 B.Com, 32 M.Com, B.Sc., M.Sc., B.Ed., CA જેવા ૧૦૦૦ સુશિક્ષિત અને સુચરિત યુવક-યુવતીઓ માટે શિબિરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજની યુવાપેઢી જ્યારે કલબો, કેફે, ફાર્મ અને હુકાબારના પ્રલોભનોથી અંજાઈને પોતાની કારકિર્દી અને સંસ્કારોને ખલાસ કરી રહી છે ત્યારે સનાતન સંસ્કૃતિ માટે સતત ચિંતિત અને સેવારત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ૨૧ બસોનું અદ્દભુત આયોજન કરીને સંસ્કૃતિના સંવાહક સમાન યુવાનોને પ્રાચીન અને અર્વાચીન હિંદુ મંદિરોના દર્શન કરાવ્યા, ભવ્ય ઈતિહાસ સમજાવી મંદિરો પ્રત્યેનું મમત્વ દ્રઢ કરાવ્યું.
આ યાત્રા દરમ્યાન પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને સંતોએ અંગ્રેજી માધ્યમમાં ભણનારા પ્રાચીન અને સનાતન ઇતિહાસથી અજાણ યુવાનોને નાસિકના કાલારામ મંદિર, શ્રીલક્ષ્મણ શેષનાગ મંદિર, સીતા ગુફા, પંચવટી અને કપિલા સંગમના મહિમા સહિત દર્શન કરાવ્યા હતા. શિબિરયાત્રા દરમ્યાન સ્વામીજીની પ્રેરણા અને આયોજનથી નવસારી અને નાસિક મંદિરોના પટાંગણમાં હજારો યુવક-યુવતીઓએ સમૂહપૂજા કરીને ભગવાન સ્વામિનારાયણના ચરણે ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું
નાસિક મુકામે ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીસ્વામિનારાયણની પદરજ અને કુંભમેળા સમયે લાખો પવિત્ર સંતો-મહંતો અને ભક્તોના સ્પર્શથી પાવન થયેલી ગોદાવરી નદીના હજારો યુવાનોને દર્શન કરાવી, સનાતન ધર્મની એકતા માટે અને પરિવાર, સમાજ અને મહાન ભારતના ઉત્કર્ષ માટે તન, મન અને ધનથી સમર્પિત થઈ નિર્વ્યસની જીવન જીવવા માટે મા ગોદાવરીના જળથી પ્રતિજ્ઞાબદ્ધ કર્યા હતા.
સુશિક્ષિત અને સુચરિત યુવાનોને હજારો કિલોમીટરની યાત્રા કરાવી ભાવિ ભારતના નચિકેતા, સત્યકામ જાબાલી, ધ્રુવ, પ્રહલાદ, લક્ષ્મીબાઈ, ગાર્ગી, સીતા અને સાવિત્રીના પંથે દોરનાર તથા અનેકવિધ શારીરિક તકલીફોની વચ્ચે પણ માં–બાપ, શિક્ષક અને માર્ગદર્શકની હૂંફ, પ્રેરણા, પ્રોત્સાહન અને નિઃસ્વાર્થ પ્રેમ આપનાર પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજના કૃપાપાત્ર પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, સર્વે સંતો અને કાર્યકરોના ચરણોમાં હરિભક્તોએ અગણિત આભારની લાગણી વ્યક્ત કરી હતી.
શિબિરયાત્રા બાદ હજારો યુવક-યુવતીઓનું હૈયું પોકારી રહ્યું હતું કે, અમે સુરક્ષિત અને સુવિકસિત છીએ અમારા BAPS ના સંતોના સંગમાં અને અમે આદર્શ હિન્દૂ બનીને અનેકને રંગીશું સંસ્કૃતિના રંગમાં.