
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં પશ્ચિમ રેંજ દ્વારા એક દિવસમાં જ હુમલાખોર દીપડાને પાંજરે પૂરતા ગ્રામજનોએ હાશકારો મેળવ્યો… પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીકટિયા ગામ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાએ મરઘાઓનો શિકાર કરી આંતક મચાવ્યો હતો.જેમાં ગુરૂવારે મળસ્કે ફરી શિકારની શોધમાં ખુંખાર દીપડો ચીકટિયા ગામમાં આવી ચડ્યો હતો.તેવામાં ચીકટિયા ગામનાં રહેવાસી અને આહવા તાલુકા પંચાયતનાં માજી ઉપપ્રમુખ શૂક્કરભાઈ ચૌધરી તેઓનાં દુકાનની બહાર ઓટલા પર સુઈ રહ્યા હતા.તે વેળાએ શિકારની શોધમાં ફરતા દીપડાએ સૂઈ રહેલ શૂક્કરભાઈ ચૌધરી પર અચાનક જ હુમલો કરી દેતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.બાદમાં ઘરનાં સભ્યો જાગી જતા અને બુમાબુમ કરતા સ્થળ પરથી દીપડો ભાગ્યો હતો.અહી દીપડાએ શૂક્કરભાઈ ચૌધરીનાં હાથ,છાતી અને ગળાનાં ભાગે નહોર મારી ગંભીર ઈજાઓ પોહચાડતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.બાદમાં પશ્ચિમ રેંજ વન વિભાગ દ્વારા દીપડાનાં હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આગેવાન શૂક્કર ચૌધરીને મળી સરકારી સહાય મળે તથા આ ખુંખાર દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.ગતરોજ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓ વિનય પવારે ચીકટિયા ગામ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હતા.આજરોજ વહેલી સવારે આ હુમલાખોર દીપડો પાંજરે પુરાઈ જતા વન વિભાગ સહિત ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.હાલમાં વન વિભાગની ટીમે આ ખુંખાર દીપડાને દૂરનાં જંગલમાં ખસેડવાની કવાયત હાથ ધરી છે..





