
તા.૦૬.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ નગરપાલિકાના પ્રમુખના પતિએ ઘરમાં ઘુસી ચીફ ઓફિસર પર કર્યો હુમલો
દાહોદ નગરપાલિકાના પ્રમુખના પતિએ ચીફ ઓફિસરને ઘરમાં ઘુસી માર મારતા સમગ્ર ઘટનાને લઈને રાજ્યના પાલિકા કર્મચારીઓએ રોષ વ્યક્ત કરીને ઘટનાની નિંદા કરી હતી. નગરપાલિકા બહાર 250થી વધુ કર્મચારીઓએ માસીએલ પર ઉતરી ઘટનાને વખોડી હતી.
દાહોદ શહેરમાં અઢી વર્ષની મુદત પૂર્ણ થવાના આઠ દિવસ પૂર્વે જ નગરપાલિકા પ્રમુખના પતિએ સોમવારની રાત્રે ઘરમાં ઘૂસીને ચીફ ઓફિસર ઉપર હુમલો કરતાં ફરી એક વખત શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
રામનગરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીમાં સ્થળ મુલાકાતનો મુદ્દો આગળ ધરીને આ હુમલો કરાયો હોવાનું પ્રમુખ પતિએ ચીફ ઓફિસરને કરેલા આદેશાત્મક મેસેજો ઉપરથી સામે આવ્યું છે. આ મામલે બી ડિવિઝન પોલીસે મોડી રાત્રે ગુનો દાખલ કર્યો હતો.
આ ઘટનાને પગલે ગુજરાત રાજ્યની દરેક નગરપાલિકાઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને નવસારી વિજલપુર નગરપાલિકામાં પણ કર્મચારીઓએ ચીફ ઓફિસરને માર મારવા બદલ રોષ વ્યક્ત કરી આજે એક દિવસ માટે સીએલ જાહેર કરી છે. પાલિકા બહાર સૂત્રોચાર કરીને રાજ્ય સરકારને જવાબદાર વિરુદ્ધ સખત પગલાં ભરવા માંગ કરી છે
નવસારી વિજલપુર નગરપાલિકાના 250 જેટલા કર્મચારીઓ આજે માસ સી.એલ પર ઉતરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફરિયાદો લઈને આવતા અરજદારોને અટવાવનો વારો આવ્યો હતો. કર્મચારીઓએ અગાઉ જાણ કર્યા વગર માસ સી. એલ પર ઉતરતા શહેરના લોકોને એક દિવસ માટે હાલાકી નો સામનો કરવો પડશે.








