
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોના ઉત્કર્ષ માટે અવારનવાર વિવિધ તાલીમોનું આયોજન કરતું રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ અને એ.આઈ.સી.આર.પી. (પામ્સ), અસ્પી બાગાયત મહાવિદ્યાલય, નવસારીના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ (ડાંગ) ખાતે નાળિયેળીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષય પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે.બી. ડોબરિયાએ ખેડૂતોને ખેતી પધ્ધતિમાં વૈજ્ઞાનિક અભિગમ ભેળવવાની સલાહ આપવામાં આવી હતી. એ.આઈ.સી.આર.પી. (પામ્સ), અસ્પી બાગાયત મહાવિદ્યાલયના વૈજ્ઞાનિક ડો. પંકજ ભાલેરાવે એ ખેડૂતોને નાળિયેળીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષય પર બહોળી અને ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વિષયના વૈજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિએ ખેડૂતોને નાળિયેળી તથા બાગાયત ખેતીનું મહત્વ સમજાવીને બાગાયતી ખેતી તરફ આગળ વધવા હાંકલ કરી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને ટી.એસ.પી. યોજના અંતર્ગત બેટરી સંચાલીત પંપ સ્પ્રેયર તથા નાળિયેળીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેવિકે રાજેન્દ્ર્પુર ફાર્મ ખાતે કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડો. જે. જે.પસ્તાગિયા, સહપ્રાધ્યાપક ડો. અજય પટેલ, કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. બી. ડોબરિયા, એ.આઈ.સી.આર.પી. (પામ્સ), અસ્પી બાગાયત મહાવિદ્યાલયના વૈજ્ઞાનિક ડો. પંકજ ભાલેરાવ તથા કેવિકે સ્ટાફ ની ઉપસ્થિતિમાં નાળિયેળી વાવેતરનું પધ્ધતિ નિદર્શન, વૈજ્ઞાનિકની ખેતર પર મુલાકાત તથા ફિલ્મ શો જેવી વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ દ્વારા ૨૮ થી વધુ ખેડૂતો તથા ૫૦ થી વધારે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં ૨૮ થી વધારે ખેડૂતોએ ભાગ લઈ બાગાયતી ખેતી તરફ પ્રગતિ કરવાનો નિર્ધાર કર્યો.





